ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) – ભારતના ખેલાડીઓ પર અહીં 21મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે સોનાનો વરસાદ વરસ્યો છે. સવારે શૂટર જિતુ રાયે ગોલ્ડ મેડલ જીત્યા બાદ પુરુષોની ટેબલ ટેનિસ ટીમે ટીમ ઈવેન્ટની ફાઈનલમાં નાઈજિરીયાને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો અને ત્યારબાદ તરત જ બેડમિન્ટમાં પણ ભારતે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં મલેશિયાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે આ ગેમ્સમાં ટેબલ ટેનિસની રમતનો ગોલ્ડ મેડલ પહેલી જ વાર જીત્યો છે. આ સાથે, ભારતે આ વખતની ગેમ્સમાં જીતેલા ગોલ્ડ મેડલ્સનો આંકડો 10 પર પહોંચ્યો છે.
ટેબલ ટેનિસમાં, ભારતીય મહિલાઓએ ગઈ કાલે આ રમતમાં ટીમ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આજે પુરુષોની ટીમે. આમ, આ રમતમાં ભારતે ક્લીન સ્વિપ કરી છે.
અનુભવી ખેલાડી અચંત શરત કમલે પહેલી સિંગલ્સ મેચ 4-11, 11-5, 11-4, 11-9 સ્કોરથી જીતીને ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી.
બીજી મેચમાં, ભારતના ટોપ-રેન્ક્ડ સિંગલ્સ ખેલાડી સાથિયાન જ્ઞાનશેખરને 10-12, 11-3, 11-3, 11-4થી જીત મેળવી હતી.
ત્રીજી મેચ ડબલ્સ હતી, જેમાં હરમીત દેસાઈ અને સાથિયાન જ્ઞાનશેખરનની જોડીએ 11-8, 11-5, 11-3થી જીત મેળવીને ભારતે 3-0થી મુકાબલો જીતી લીધો હતો અને એ સાથે ગોલ્ડ મેડલ પણ.
બેડમિન્ટનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટનો ગોલ્ડ ભારતનો…
કિદામ્બી શ્રીકાંત અને સાઈના નેહવાલની આગેવાની હેઠળની ભારતીય ટીમે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલમાં ભારતે મલેશિયાને 3-1થી પરાજય આપ્યો છે.
ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટનો ગોલ્ડ આ પહેલી જ વાર જીત્યો છે.
શ્રીકાંત, સાઈના, અને મિક્સ્ડ ડબલ્સની જોડી તરીકે સાત્વિકસાઈરાજ રાનકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાએ પોતપોતાની મેચ જીતી હતી.
સાત્વિક અને અશ્વિનીએ એમની મિક્સ્ડ ડબલ્સ મેચ 21-14, 15-21, 21-15થી જીતીને ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી.
ત્યારબાદ વર્લ્ડ નંબર-2 શ્રીકાંતે મલેશિયાના અનુભવી ખેલાડી ચોંગ વેઈને 21-17, 21-14થી હરાવી ભારતની સરસાઈ વધારીને 2-0 કરી હતી.
પુરુષોની ડબલ્સ મેચમાં સાત્વિક અને ચિરાગ શેટ્ટીનો પરાજય થયો હતો, પણ ચોથી મેચમાં, વર્લ્ડ નંબર-12 સાઈના નેહવાલે સોનિયા ચીઆહને 21-11, 19-21, 21-9થી હરાવી મુકાબલાનો ભારતની તરફેણમાં 3-1થી અંત લાવી દીધો હતો. સાઈનાની મેચ એક કલાક ને પાંચ મિનિટ લાંબી ચાલી હતી.