મુંબઈ – ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના સભ્ય મનીષ પાંડેએ દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. બંનેનાં લગ્ન બીજી ડિસેંબરે મુંબઈમાં યોજવામાં આવ્યા હતા. લગ્ન સમારંભ બે દિવસ સુધી ચાલ્યો હતો.
ઉત્તરાખંડના મૂળનો, પણ કર્ણાટક વતી ક્રિકેટ રમતો મનીષ પાંડે અને આશ્રિતા છેલ્લા કેટલાક વખતથી એકબીજાનાં પ્રેમમાં હતાં અને બંનેએ એકબીજાને જીવનસાથી બનાવી લેવાનો નિર્ણય લીધો હતો. એમનાં લગ્નસમારંભમાં બંનેનાં પરિવારનાં સભ્યો, સગાંસંબંધીઓ, નિકટનાં મિત્રો તથા ભારતીય ટીમના અમુક ક્રિકેટરોએ પણ હાજરી આપી હતી.
26 વર્ષીય આશ્રિતા દક્ષિણ ભારતીય ભાષાઓની અનેક ફિલ્મોમાં જોવા મળી છે. એણે તેની ખૂબસૂરતી વડે મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષને ક્લીન બોલ્ડ કરી દીધો. મનીષ મૂળ નૈનીતાલનો છે.
જમણેરી બેટ્સમેન મનીષનાં સુકાનીપદ હેઠળ કર્ણાટકે હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી છે. મનીષે તામિલનાડુ સામેની ફાઈનલ મેચમાં 45 બોલમાં 60 રન ફટકાર્યા હતા અને કર્ણાટક ટીમે તામિલનાડુ પર 1-રનથી વિજય મેળવ્યો હતો. કર્ણાટક ટીમે ગયા વર્ષે પણ આ ટ્રોફી જીતી હતી. એ વખતે એણે ફાઈનલમાં મહારાષ્ટ્રને પરાજય આપ્યો હતો.
આશ્રિતા છેલ્લા સાત વર્ષથી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી રહી છે. ફિલ્મ લાઈનમાં આવી એ પહેલાં તેણે એક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. એમાં તે વિજેતા બની હતી અને એ સાથે જ એને ટીવી જાહેરખબરો મળવાનું શરૂ થયું હતું. 2012માં એણે એની પ્રથમ ફિલ્મમાં કામ કર્યું હતું, જે તેલુગુ ફિલ્મ હતી.
મનીષ પાંડેનો સમાવેશ વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે રમાનાર આગામી ટ્વેન્ટી-20 અને વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીઓની ભારતીય ટીમોમાં કરવામાં આવ્યો છે.
દરમિયાન, ભારતીય ટીમના વાઈસ-કેપ્ટન રોહિત શર્માએ મનીષ પાંડેને લગ્ન માટે શુભેચ્છા આપી છે અને એક સંદેશામાં લખ્યું છે કે, ‘મારી વાત માનજે, આ તારી બેસ્ટ ઈનિંગ્ઝ બનશે.’