નેપાળની અંજલિ ચંદે ઝીરો પર 6 વિકેટ લઈને T20Iમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો

પોખારા (નેપાળ) – નેપાળની ડાબોડી મધ્યમ ઝડપી બોલર અંજલિ ચંદ નામની બોલરે આજે મહિલાઓની T20I ક્રિકેટમાં ઈતિહાસ સર્જ્યો છે. એણે માલદીવ સામેની મેચમાં એકેય રન આપ્યા વગર 6 વિકેટ લીધી હતી.

માલદીવને પહેલા બેટિંગ કરવાનું આવ્યું હતું, પણ ટીમ માત્ર 16 રન જ કરી શકી હતી. યજમાનોએ 17 રનનો ટાર્ગેટ માત્ર પાંચ બોલમાં જ ચેઝ કરી લીધો હતો.

24 વર્ષની અંજલિએ 7મી ઓવરમાં 3 વિકેટ લીધી હતી અને 9મી ઓવરમાં બે વિકેટ લીધી હતી. અંજલિએ દાવની 11મી ઓવરમાં વધુ એક વિકેટ લઈને માલદીવના દાવનો અંત લાવી દીધો હતો. માલદીવનો દાવ 11મી ઓવરમાં પૂરો થઈ ગયો હતો.

અંજલિએ માત્ર 13 જ બોલ ફેંક્યા હતા.

માલદીવની હમઝા નિયાઝે 9 રન અને હફઝા અબ્દુલ્લાએ 4 રન કર્યા હતા. બાકીની બધી બેટ્સમેનો ઝીરો પર આઉટ થઈ ગઈ હતી.

એના જવાબમાં નેપાળે પાંચ બોલમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 17 રન કરીને મેચ જીતી લીધી હતી.

અંજલિએ આ સાથે મહિલાઓની T20I ક્રિકેટમાં બેસ્ટ બોલિંગનો નવો રેકોર્ડ કર્યો છે. એની પહેલાં, યોગાનુયોગ, માલદીવની માસ એલીસાનાં નામે રેકોર્ડ હતો. એલીસાએ 2019માં ચીન સામેની મેચમાં 3 રનમાં 6 વિકેટ લીધી હતી.

હાલ 4-ટીમ વચ્ચે સ્પર્ધા રમાઈ રહી છે. નેપાળ અને માલદીવ ઉપરાંત અન્ય બે ટીમ છે, બાંગ્લાદેશ અને શ્રીલંકા.

રાઉન્ડ-રોબિન તબક્કા બાદ ટોચની બે ટીમ ગોલ્ડ મેડલ મેચમાં રમશે.

પુરુષોના વર્ગમાં, બેસ્ટ બોલિંગ માટે ભારતના ફાસ્ટ બોલર દીપક ચાહરનો વર્લ્ડ રેકોર્ડ છે. એણે 7 રનમાં 6 વિકેટ ઝડપી હતી. આ દેખાવ એણે ગઈ 10 નવેંબરે નાગપુરમાં બાંગ્લાદેશ સામેની મેચમાં કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]