યેઓસૂ (દક્ષિણ કોરિયા): એશિયન ચેમ્પિયન્સ બનેલા ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ એક વધુ સહિયારી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે અહીં કોરિયા ઓપન 2023 સ્પર્ધામાં આજે રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ડબલ્સનું વિજેતાપદ હાંસલ કર્યું છે. રોમાંચક બનેલા ફાઈનલ મુકાબલામાં તેમણે ઈન્ડોનેશિયાના વર્લ્ડ નંબર-1 ક્રમાંકિત જોડીદાર – ફજર અલ્ફિયાન અને મોહમ્મદ રિયાન અર્દિયાંતોને 17-21, 21-13, 21-14 સ્કોરથી હાર આપી હતી. જિન્નમ સ્ટેડિયમમાં રમાઈ ગયેલા મુકાબલામાં તેમણે વર્લ્ડ નંબર-1 જોડીને 62-મિનિટમાં પરાજય આપીને અપસેટ પરિણામ સર્જ્યું હતું. ફજર અલ્ફિયાન અને મોહમ્મદ અર્દિયાંતો ઓલ ઈંગ્લેન્ડ અને મલેશિય ઓપન ચેમ્પિયન્સ છે.
2017માં, પી.વી. સિંધુએ કોરિયા ઓપન સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સ ટ્રોફી જીતી હતી.
સાત્વિક અને ચિરાગની જોડીએ એમની કારકિર્દીમાં આ ત્રીજું સુપર-500 ટાઈટલ જીત્યું છે. તેઓ આ પહેલાં થાઈલેન્ડ ઓપન-2019 અને ઈન્ડિયા ઓપન-2022 જીતી ચૂક્યા છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (બીડબલ્યુએફ) વર્લ્ડ ટૂર પર આ તેમનું સાતમું વિજેતાપદ છે. વર્ષ 2023માં આ તેમનું ત્રીજું BWF વર્લ્ડ ટુર ટાઈટલ છે. આ પહેલાં તેઓ સ્વિસ ઓપન અને ઈન્ડોનેશિયા ઓપનમાં ચેમ્પિયન બન્યા હતા.