જાણો ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલી ક્યા રેકોર્ડ તોડશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આવતીકાલે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો રમાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ક્રિકેટપ્રેમીઓની નજર ખાસ કરીને વિરાટ કોહલી પર રહેશે, જે આ ટુર્નામેન્ટમાં અનન્ય ફોર્મમાં છે. પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર સદી ફટકારીને ભારતને યાદગાર જીત અપાવનાર વિરાટ કોહલી માટે આ મેચ ખાસ રહેશે, કારણ કે તે તેની વનડે કરિયરની 300મી મેચ હશે. આ હિસ્ટોરિક મેચમાં વિરાટ કોહલી 6 મહાન રેકોર્ડ તોડી શકે છે.

વનડેમાં બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

હાલમાં, વિરાટ કોહલીએ 299 વનડે મેચમાં 14,085 રન બનાવ્યા છે. જો ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તે 150 રન બનાવવામાં સફળ થાય, તો તે શ્રીલંકાના મહાન બેટ્સમેન કુમાર સંગાકારાનો 14,234 રનનો રેકોર્ડ તોડી દેશે અને વનડે ઈતિહાસમાં બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે.

વનડેમાં બીજો સૌથી સફળ ફિલ્ડર

વિરાટ કોહલી પહેલેથી જ મોહમ્મદ અઝહરુદ્દીનના 156 કેચનો રેકોર્ડ તોડી ચૂક્યો છે. જો આ મેચમાં તે 3 કેચ લે, તો રિકી પોન્ટિંગના 160 કેચનો રેકોર્ડ તોડી દેશે અને વનડે ઈતિહાસમાં બીજા ક્રમનો સૌથી સફળ ફિલ્ડર બની જશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન

વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 15 મેચમાં 651 રન બનાવ્યા છે. જો તે આ મેચમાં 51 રન બનાવે, તો શિખર ધવનના 701 રનનો રેકોર્ડ તોડી દેશે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન

જો વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે 142 રન બનાવે, તો તે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના 791 રનનો રેકોર્ડ તોડી દેશે અને ચેમ્પિયન્સ ટ્રોફી ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે.

ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં ભારત માટે સૌથી વધુ રન

વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે 31 વનડે મેચમાં 1,645 રન બનાવ્યા છે. જો તે 106 રન બનાવે, તો સચિન તેંડુલકરના 1,750 રનનો રેકોર્ડ તોડી દેશે અને ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે.

ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ સદી

હાલમાં, વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે 6 સદી ફટકારી છે. જો તે રવિવારે સદી ફટકારશે, તો 7 સદી સાથે ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે અને વીરેન્દ્ર સેહવાગ અને રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી દેશે.