નવી દિલ્હીઃ કોરોના વાઈરસને ધ્યાનમાં રાખતા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે આ લીગની ફ્રેન્ચાઈઝીઓએ ટુર્નામેન્ટ પહેલા પોતાના કેમ્પ પણ આગામી સૂચના સુધી રદ કરી દીધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સોમવારે પોતાનો પ્રેક્ટિસ કેમ્પ રદ કરી દીધો જે 21 માર્ચથી શરૂ થવાનો હતો. ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે પણ પોતાના પ્રેક્ટિસ કેમ્પ રદ કરી દીધા છે.
આરસીબીના સતાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે તમામ લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કેમ્પ આગામી સૂચના સુધી રદ કરી દેવામાં આવ્યો છે. અમે તમામ લોકોને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરીને સુરક્ષિત રહેવાની અપીલ કરીએ છીએ.
બીસીસીઆઈએ શુક્રવારે આઈપીએલ 2020નો કાર્યક્રમ કોરોના વાઈરસના કારણે 15 એપ્રિલ સુધી મુલતવી રાખ્યો છે. ભારત સરકારે પણ આ સમય સુધી વિદેશી નાગરિકોને ભારત આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ ઉપરાંત ત્રણ રાજ્યોએ પણ કોરોનાના કારણે આઈપીએલની મેચોના આયોજન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. આઈપીએલ આયોજકો અને ટીમના માલિકોને આશા છે કે 15 એપ્રિલ સુધી કોરોનાનો પ્રકોપ ઓછો થઈ જશે અને સ્થિતિમાં સુધારો આવશે. જેથી રાજ્ય સરકારો પણ આઈપીએલની મેચોના આયોજનની મંજૂરી આપશે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 114 કેસ સામે આવ્યા છે. જ્યારે બે વ્યક્તિના મોત નીપજ્યા છે.