જકાર્તા – ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓ – પી.વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે અહીં ઈન્ડોનેશિયા ઓપન બીડબલ્યુએફ વર્લ્ડ ટુર સુપર 1000 ટુર્નામેન્ટમાં વિજય સાથે આરંભ કર્યો છે. બંને જણે અનુક્રમે મહિલા અને પુરુષ વર્ગમાં પોતપોતાની પહેલા રાઉન્ડની મેચ જીતી લીધી છે.
તે છતાં ભારતના બે પુરુષ ખેલાડીઓ – બી. સાઈ પ્રણીત અને એચ.એસ. પ્રણયની હાર થઈ છે.
સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સના વર્ગમાં, પાંચમી ક્રમાંકિત સિંધુએ જાપાનની એયા ઓહોરીને રોમાંચક મુકાબલામાં 11-21, 21-15, 21-15 સ્કોરથી પરાજય આપ્યો હતો. આ મેચ લગભગ એક કલાક સુધી ચાલી હતી.
મેન્સ સિંગલ્સમાં, વર્લ્ડ નંબર-9 કિદામ્બી શ્રીકાંતને વિજય મેળવવામાં ખાસ મહેનત કરવી પડી નહોતી. જાપાનનો કેન્ટા નિશિમોતો પર એણે 21-14, 21-13થી જીત મેળવી હતી. આ મેચ 38 મિનિટ સુધી ચાલી હતી.
આ વર્ષે સ્વિસ ઓપનની ફાઈનલમાં પહોંચેલો પ્રણીત આજે હોંગકોંગના વોંગ વિંગ કી વિન્સેન્ટ સામે 15-21, 21-13, 10-21થી હારી ગયો હતો. અન્ય ખેલાડી પ્રણય ચીનના દ્વિતીય ક્રમાંકિત શી યુ કી સામે 21-19, 18-21, 20-22 સ્કોરથી હારી ગયો હતો. એ મેચ 71-મિનિટ ચાલી હતી.