બેંગલુરુઃ ભારતીય મેન્સ હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લેને આશા છે કે મનપ્રીતસિંહની આગેવાની હેઠળની હોકી ટીમ આ વખતે ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતશે અને એ સાથે જ ભારત માટે 41-વર્ષથી ચાલતા મેડલના દુકાળનો અંત આવી જશે. ભારત છેલ્લે 1980માં મોસ્કો ઓલિમ્પિક્સમાં મેન્સ હોકીનો ગોલ્ડ મેડલ જીત્યું હતું. એ વખતે ફાઈનલમાં તેણે સ્પેનને પરાજય આપ્યો હતો.
પિલ્લેનું કહેવું છે કે હાલની ટીમ છેલ્લા પાંચ વર્ષથી સતત સારો દેખાવ કરતી રહી છે. ખેલાડીઓનું ફિટનેસ લેવલ પણ સરસ છે. તેઓ ઓલિમ્પિક્સમાં કમાલ બતાવી શકે છે. સતત ચાર ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમ વતી રમેલા પિલ્લેએ મનપ્રીત તથા મહિલાઓની હોકી ટીમની કેપ્ટન રાનીને પત્ર લખીને ઓલિમ્પિક્સમાં સરસ દેખાવની શુભેચ્છા આપી છે.