મેલબોર્ન – વિરાટ કોહલી અને એના સાથીઓએ ઓસ્ટ્રેલિયામાં એક વધુ મોટું પરાક્રમ કરી બતાવ્યું છે. અહીંના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રીજી અને સીરિઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ગૃહ ટીમને 7-વિકેટથી હરાવીને સીરિઝ 2-1થી જીતી લીધી છે.
ભારતને જીત માટે 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને મહેન્દ્ર સિંહ ધોનીના અણનમ 87, કેદાર જાધવના અણનમ 57 (બંને વચ્ચે ચોથી વિકેટ માટે 121 રનની અતૂટ ભાગીદારી) અને કેપ્ટન વિરાટ કોહલીના 46 રનની મદદથી 49.2 ઓવરમાં 3 વિકેટના ભોગે 234 રન કરીને મેચ જીતી લીધી હતી.
આ સાથે ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ પહેલી જ વાર દ્વિપક્ષીય વન-ડે શ્રેણી જીતી છે.
ભારતે આ પહેલાં ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં પણ પરાજય આપ્યો હતો અને 20-20 શ્રેણી 1-1થી ડ્રોમાં પરિણમી હતી.
ઓસ્ટ્રેલિયાના દાવમાં 10 ઓવરમાં 42 રનમાં 6 વિકેટ લેનાર લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો છે. સીરિઝમાં 3 હાફ સેન્ચુરી ફટકારનાર મહેન્દ્ર સિંહ ધોનીને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ધોનીએ આ સીરિઝમાં સતત ત્રીજી હાફ સેન્ચુરી ફટકારી હતી. એણે 114 બોલનો સામનો કર્યો હતો. એના 87 રનમાં 6 ચોગ્ગા હતા. સામે છેડે કેદાર જાધવે 57 બોલના કરેલા સામના દરમિયાન 7 ચોગ્ગા ફટકાર્યા હતા.
34મી વન-ડે મેચ રમનાર ચહલે આ બીજી કારકિર્દીમાં પાંચ-વિકેટનો પરફોર્મન્સ બતાવ્યો છે.
કોહલીએ ટોસ જીતીને પહેલા ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ચહલની લેગબ્રેક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાનો ટકી શક્યા નહોતા. એકમાત્ર પીટર હેન્ડ્સકોમ્બે પ્રતિકાર કર્યો હતો અને 58 રન કર્યા હતા. વિકેટકીપર-ઓપનર એલેક્સ કેરીએ પાંચ, કેપ્ટન આરોન ફિન્ચે 14, ઉસ્માન ખ્વાજાએ 34, શોન માર્શે 39, માર્કસ સ્ટોઈનીસે 10, ગ્લેન મેક્સવેલે 26, ઝે રિચર્ડસને 16, એડમ ઝમ્પાએ 8 રન કર્યા હતા. બિલી સ્ટેનલેક ઝીરો પર આઉટ થયો હતો અને પીટર સીડલ 10 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
ભૂવનેશ્વર કુમારે 8 ઓવરમાં 28 રન આપીને બંને ઓપનરને આઉટ કર્યા હતા. અન્ય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 47 રનમાં બે વિકેટ લીધી હતી.