નોટિંઘમ – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં આજે ભારતની ત્રીજી મેચ હતી, પણ ટ્રેન્ટબ્રિજ ગ્રાઉન્ડ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની આ મેચ વરસાદને કારણે એકેય બોલ નખાયા વિના અને ટોસ પણ ઉછાળ્યા વિના પડતી મૂકી દેવી પડી. બંને ટીમને એક-એક પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યો છે.
સ્પર્ધામાં, 3 મેચમાં બે જીત અને એક નો-રિઝલ્ટ સાથે ભારતના 5 પોઈન્ટ થયા છે જ્યારે ન્યૂઝીલેન્ડ 4 મેચમાં 7 પોઈન્ટ મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર છે.
ભારત હવે 16 જૂને માન્ચેસ્ટરમાં પાકિસ્તાન સામે રમશે.
વર્લ્ડ કપ મુકાબલાને લાગેવળગે છે ત્યાં સુધી ભારત કરતાં ન્યૂઝીલેન્ડ થોડીક સારી સ્થિતિમાં છે. આજની મેચ પૂર્વે બંને ટીમ વચ્ચે કુલ 7 મેચ રમાઈ ચૂકી હતી એમાં ન્યૂઝીલેન્ડે 4 અને ભારતે 3માં જીત મેળવી છે.
સ્પર્ધામાં ભારતે દક્ષિણ આફ્રિકા અને વર્તમાન ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો છે.
ભારતીય ટીમ માટે માઠા સમાચાર એ છે કે તેનો ઓપનર શિખર ધવન ઈન્જર્ડ છે અને કદાચ ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી ક્રિકેટ રમી શકે એમ નથી.
આજની મેચ પડતી મૂકાયા બાદ પોઈન્ટ્સ ટેબલમાં ટીમોની સ્થિતિ આ મુજબ છેઃ
આજે ભારત-ન્યૂઝીલેન્ડ રમી ન શકાતાં મેચ જોવા માટે ટ્રેન્ટબ્રિજ સ્ટેડિયમ આવેલા ભારતીય ક્રિકેટપ્રેમીઓને ભાગે નિરાશા સાંપડી છે.