નવી દિલ્હી – હાલમાં જ રમાઈ ગયેલી મહિલાઓની હોકી વર્લ્ડ કપ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરીને ભારતીય ટીમ ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને આજે જાહેર કરેલા વર્લ્ડ રેન્કિંગ્સમાં 9મા ક્રમે પહોંચી ગઈ છે. ગયા વર્ષે તે 10મા ક્રમે હતી.નેધરલેન્ડ્સના સોર્ડ મરાઈનેના કોચપદ હેઠળ રમતી ભારતીય મહિલા ટીમે ગયા અઠવાડિયે લંડનમાં રમાઈ ગયેલી વર્લ્ડ કપમાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવીને 1138 પોઈન્ટ્સ મેળવ્યા હતા.
વર્લ્ડ કપમાં રનર્સ-અપ રહેલી આયરલેન્ડની ટીમ 16મા નંબરેથી સીધી 8મા નંબરે પહોંચી ગઈ છે.
વર્લ્ડ કપ વિજેતા નેધરલેન્ડ્સ પહેલા નંબર પર યથાવત્ રહ્યું છે. લંડન સ્પર્ધાની ફાઈનલમાં ડચ મહિલા ટીમે આયરલેન્ડને 6-0થી પરાજય આપ્યો હતો. નેધરલેન્ડ્સ 2011ના ઓક્ટોબરથી પહેલા નંબર પર છે.
બીજા નંબર પર ઈંગ્લેન્ડ છે. લંડન સ્પર્ધામાં એ છઠ્ઠા ક્રમે હતું. ઓસ્ટ્રેલિયા ત્રીજા, આર્જેન્ટિના ચોથા જર્મની પાંચમા અને ન્યુ ઝીલેન્ડ છઠ્ઠા ક્રમે છે.
લંડન વર્લ્ડ કપમાં ત્રીજા ક્રમે રહીને કાંસ્ય ચંદ્રક જીતનાર સ્પેન ટીમે વિશ્વ રેન્કિંગ્સમાં સાતમો ક્રમ મેળવ્યો છે.
ભારત પછીના ક્રમે દક્ષિણ કોરિયા, ચીન અને અમેરિકા આવે છે.