ભારતીય ક્રિકેટ-ટીમો સાઉધમ્પ્ટન પહોંચી; હોટેલમાં ચેક-ઈન થઈ

સાઉધમ્પ્ટનઃ ભારતના સિનિયર પુરુષ અને મહિલા ક્રિકેટરોની ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC )ની ફાઈનલ મેચ જ્યાં રમાવાની છે તે સ્થળ હેમ્પશાયર બોલ અથવા એજીસ બોલ અથવા રોઝ બોલ ખાતે પહોંચી ગઈ છે. ત્યાં બંને ટીમ  હિલ્ટન એટ ધ એજીસ બોલ હોટેલ ખાતે ચેક-ઈન થઈ ગઈ છે. હવે ખેલાડીઓ ત્યાં કોરોનાવાઈરસ રોગચાળા સંબંધિત નિર્ધારિત ગાઈડલાઈન્સ મુજબ ક્વોરન્ટીન સ્થિતિમાં રહેશે.

આ હોટેલમાં 171-રૂમ છે, તે એક વિશાળ કોમ્પ્લેક્સ છે અને એનું જ એજીસ બોલ ક્રિકેટ સ્ટેડિયમ છે. હોટેલની લોબી અને રૂમની બાલ્કનીમાંથી ભારતના ખેલાડીઓએ તસવીરો પડાવી હતી અને સોશિયલ મિડિયા પર શેર કરી છે. ખેલાડીઓની રૂમમાંથી જ એજીસ બોલ સ્ટેડિયમના દર્શન થાય છે. અમુક રૂમમાંથી હોટેલનું જ ગોલ્ફ કોર્સ દેખાય છે. રોહિત શર્મા, રિષભ પંત, જસપ્રિત બુમરાહ, રિદ્ધિમાન સહા, અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા અને એની પત્નીની તસવીરો સોશિયલ મિડિયા પર જોવા મળી છે.

ભારતના પુરુષોની ટીમ 18 જૂનથી આ જ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે WTC ફાઈનલ રમશે. ન્યૂઝીલેન્ડ ટીમ હાલ લંડનના લોર્ડ્સ મેદાન પર ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં રમી રહી છે. કિવી ખેલાડીઓ 14 જૂને સાઉધમ્પ્ટનમાં પાછા આવશે. ઈંગ્લેન્ડ સામેની સિરીઝ પૂર્વે તેઓ આ જ સ્થળે ક્વોરન્ટીન થયા હતા. ભારતની મહિલાઓની ટીમ બ્રિસ્ટોલ શહેર જશે જ્યાં તેઓ ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. બંને ટીમની મહિલા ક્રિકેટરો ત્યારબાદ ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ પણ રમવાની છે.