એક વધુ રોમાંચક સુપર ઓવર પરિણામઃ ભારતે ચોથી T20Iમાં NZને હરાવ્યું

વેલિંગ્ટન – ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ્સ શ્રેણીએ એક વધુ રોમાંચક મેચ આપી. આજે સ્કાઈ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી મેચ પણ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ગઈ હતી અને એમાં વળી ભારતે જ જીત હાંસલ કરી.

આજે ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમને એના કેપ્ટન કેન વિલિયમ્સનની મદદ મળી શકી નહોતી. ઈજાગ્રસ્ત થવાથી એ મેચમાં રમી શક્યો નહોતો. એની જગ્યાએ ફાસ્ટ બોલર ટીમ સાઉધીએ સુકાન સંભાળ્યું હતું.

સાઉધીએ ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ કરવા કહ્યું હતું. ભારતે તેના અમુક સ્ટાર ખેલાડીઓને આ મેચમાં આરામ આપ્યો હતો, જેમ કે રોહિત શર્મા, મોહમ્મદ શમી. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 165 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. 6ઠ્ઠા ક્રમે આવેલો મનીષ પાંડે 50 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એના 36 બોલના દાવમાં 3 બાઉન્ડરી હતી. ઓપનર લોકેશ રાહુલે 26 બોલમાં બે સિક્સ, 3 બાઉન્ડરી સાથે 39 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 11, શ્રેયસ ઐયરે 1, શિવમ દુબેએ 12, શાર્દુલ ઠાકુરે 20, યુઝવેન્દ્ર ચહલે 1 રન કર્યો હતો. નવદીપ સૈની 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

સાઉધીએ તેની 4 ઓવરમાં 28 રન આપ્યા હતા અને ચહલની વિકેટ લીધી હતી. લેગસ્પિનર ઈશ સોઢીએ 3 વિકેટ ઝડપી હતી. કોહલી મધ્યમ ઝડપી બોલર હેમીશ બેનેટની બોલિંગમાં આઉટ થયો હતો. બેનેટે 4 ઓવરમાં 41 રન આપ્યા હતા.

ન્યૂઝીલેન્ડ ટીમના દાવમાં, ઓપનર માર્ટિન ગપ્ટીલ બુમરાહની બોલિંગમાં (4) સસ્તામાં આઉટ થયા બાદ કોલીન મુનરો (64) અને વિકેટકીપર ટીમ સેઈફર્ટ (57)ની જોડીએ બીજી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. આ બંને બેટ્સમેન રનઆઉટ થયા હતા. ટોમ બ્રુસ ઝીરો પર આઉટ થતાં ન્યૂઝીલેન્ડની બાજી બગડી ગઈ હતી. રોસ ટેલર (24)એ બાજી સુધારવાની કોશિશ કરી હતી, પણ શાર્દુલ ઠાકુરે ફેંકેલી 20મી ઓવરમાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટ ગુમાવી હતી, બે બેટ્સમેન રનઆઉટ થયા હતા અને સ્કોર પણ 165ના આંકે બરાબર થતાં મેચ ટાઈ થઈ હતી અને સુપર ઓવર દ્વારા પરિણામ લાવવાની ફરજ પડી હતી.

ભારત વતી બુમરાહે ફેંકેલી સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડના કોલીન મુનરો, સાઈફર્ટ અને રોસ ટેલરે મળીને 6 બોલમાં 13 રન કર્યા હતા.

એને જવાબ આપવા માટે લોકેશ રાહુલ અને કેપ્ટન કોહલી મેદાનમાં ઉતર્યા હતા. રાહુલે પહેલા બોલમાં સિક્સર અને બીજા બોલમાં બાઉન્ડરી ફટકારી હતી. ત્રીજા બોલમાં એ કેચ આઉટ થયો હતો. ક્રોસ થઈ ગયેલા કોહલીએ ચોથા બોલમાં 2 રન દોડ્યા હતા અને પાંચમા બોલે વિનિંગ શોટના રૂપમાં બાઉન્ડરી ફટકારી હતી.

આ જીત સાથે ભારતે પાંચ-મેચોની સિરીઝમાં પોતાની અપરાજિત સરસાઈ વધારીને 4-0 કરી છે.

પાંચમી મેચ બીજી ફેબ્રુઆરીએ માઉન્ટ મોંગાનુઈમાં રમાશે.

બેટિંગમાં 20 રન કર્યા બદ બોલિંગમાં બે વિકેટ ઝડપનાર શાર્દુલ ઠાકુરને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડ ટીમ અત્યાર સુધીમાં કુલ 8 ટ્વેન્ટી-20 મેચોમાં સુપર ઓવર રમી છે, પણ એમાંથી 7માં હાર્યું છે. ભારત સામે સતત બે સુપર ઓવર મેચ હાર્યું છે.