હાર્દિક પંડ્યા પપ્પા બનશે; એની ગર્લફ્રેન્ડ નતાશા ગર્ભવતી છે

વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જાહેરાત કરી છે કે એની ફિયાન્સી અને સર્બિયાની ટીવી અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ હાલ પાંચ મહિનાની ગર્ભવતી છે.

બંને જણ હાલ સગાઈના બંધનથી બંધાયેલા છે.

પંડ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની ગર્લફ્રેન્ડ સાથે એક તસવીર શેર કરી છે જેમાં એ નતાશાના ફૂલી ગયેલા પેટ પર હાથ મૂકતો જોઈ શકાય છે અને કેપ્શનમાં લખ્યું છેઃ નતાશા અને મેં સાથે મળીને મોટી સફર આદરી છે અને એ હવે વધારે સારી બનવાની છે.

પંડ્યાએ વધુમાં લખ્યું છેઃ અમે બંને જણ રોમાંચિત છીએ કે ટૂંક સમયમાં અમારા જીવનમાં એક નવા જીવને અમે આવકારીશું. અમારા જીવનના આ નવા તબક્કાથી અમે રોમાંચિત છીએ અને આપના આશીર્વાદ અને શુભેચ્છા માગીએ છીએ.

પંડ્યા અને નતાશાએ છેલ્લા અમુક મહિનાઓથી ડેટિંગ શરૂ કર્યું હતું. નતાશા સર્બિયાની મોડેલ અને અભિનેત્રી છે. 2020ની 1 જાન્યુઆરીએ બંનેએ એમની સગાઈની જાહેરાત કરી હતી.

26 વર્ષીય પંડ્યાના ચાહકોને હવે નવો સવાલ થશે કે પંડ્યા અને નતાશા લગ્ન ક્યારે કરશે.

પંડ્યા અત્યાર સુધીમાં 54 વન-ડે ઈન્ટરનેશનલ મેચો, 40 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો અને 11 ટેસ્ટ મેચો રમી ચૂક્યો છે.

નતાશાએ એક તામિલ ફિલ્મમાં આઈટમ ડાન્સ કર્યો હતો. એણે સલમાન ખાન દ્વારા સંચાલિત બિગ બોસની 8મી સીઝનમાં પણ ભાગ લીધો હતો.

(તસવીરોઃ હાર્દિક પંડ્યાના ઈન્સ્ટાગ્રામ પરથી)