વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પપ્પા બની ગયો છે. એની ફિયાન્સી નતાશા સ્ટેન્કોવિચે પુત્રને જન્મ આપ્યો છે. 26 વર્ષીય હાર્દિકે એના સોશિયલ મિડિયા હેન્ડલ મારફત આ સમાચાર આપ્યા છે.
હાર્દિકે ટ્વિટર પોસ્ટમાં લખ્યું છેઃ ‘અમારે ત્યાં પુત્રરત્નનો જન્મ થયો છે.’ આ સાથે એણે નવજાત બાળકના હાથનું ચિત્ર પણ પોસ્ટ કર્યું છે.
નતાશાની પ્રસૂતિ વડોદરામાં કરવામાં આવી છે.
હાર્દિક અને નતાશાએ મે મહિનાના આરંભમાં જ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ એમના પરિવારમાં ત્રીજા સભ્યનું આગમન થવાનું છે. નતાશા ગર્ભવતી હોવાની જાહેરાત હાર્દિક કરી હતી અને ત્યારબાદ નતાશાએ પણ ગર્ભથી ફૂલી ગયેલા તેનાં પેટ સાથેની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી હતી.
હાર્દિકે મે મહિનામાં એના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની પોસ્ટમાં લખ્યું હતું: નતાશા અને મેં એક બહુ જ મસ્ત સફર શરૂ કરી હતી અને હવે એ સફર વધારે સારી બનવાની છે. અમે બંને જણ ટૂંક સમયમાં જ અમારી જિંદગીમાં એક નવી જિંદગીને આવકારવા માટે ઉત્સૂક બન્યાં છીએ. અમે અમારા જીવનના આ નવા તબક્કા માટે રોમાંચિત છીએ અને આપના આશીર્વાદ અને શુભેચ્છા માગીએ છીએ.
ત્યારબાદ તરત જ હાર્દિક ઉપર અભિનંદનનો વરસાદ વરસવાનું શરૂ થયું હતું. કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટરોમાં પહેલો જ હતો.
હાર્દિક અને નતાશાએ ગઈ 1 જાન્યુઆરીએ એમની સગાઈની સોશિયલ મિડિયા પર જાહેરાત કરી હતી. એ વખતે નતાશાને પ્રપોઝ કરતી પોતાની તસવીર પોસ્ટ કરીને હાર્દિકે લખ્યું હતું: ‘મૈં તેરા તૂ મેરી જાને સારા હિન્દુસ્તાન. 01.01.2020 #engaged’
નતાશા સર્બિયાની અભિનેત્રી અને મોડેલ છે. એણે સત્યાગ્રહ હિન્દી ફિલ્મમાં પણ કર્યું છે. હાર્દિક પંડ્યા સાથે સગાઈ કરી એ પહેલાં તે મુંબઈમાં સ્થાયી થઈ હતી.