મુંબઈ – ભારતના રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલ્લેલા ગોપીચંદને વિશ્વાસ છે કે ભારત 2020ની ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં તેનો પ્રથમ સુવર્ણચંદ્રક જીતશે. એમનું કહેવું છે કે દરેક વર્ષ વીતી ગયેલા વર્ષ કરતાં વધારે સારું હોવું જોઈએ.
ગોપીચંદે કહ્યું કે છેલ્લા અમુક વર્ષોથી જોવા મળ્યું છે કે બેડમિન્ટનની રમતમાં આપણો દેખાવ સતત સુધરતો રહ્યો છે.
‘2008ની બીજિંગ ઓલિમ્પિક્સમાં આપણે ક્વાર્ટરફાઈનલમાં પહોંચ્યા હતા, જે એ વખતે આપણો બેસ્ટ દેખાવ હતો. ત્યારબાદ 2012માં લંડન ઓલિમ્પિક્સમાં આપણે પ્રથમ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો (સાઈના નેહવાલે તે જીત્યો હતો) અને 2016ની રિયો ઓલિમ્પિક્સમાં પી.વી. સિંધુએ આપણને પ્રથમવાર જ રજત ચંદ્રક અપાવ્યો હતો. તેથી હવે આશા રાખીએ કે 2020ની ટોકિયો ગેમ્સમાં આપણે પ્રથમ ગોલ્ડ મેડલ જીતીશું,’ એમ ગોપીચંદે કહ્યું છે.
ભૂતપૂર્વ ઓલ ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટ ચેમ્પિયન ગોપીચંદ આઈડીબીઆઈ ફેડરલ ક્વેસ્ટ ફોર એક્સેલન્સ યન્ગ ચેમ્પ કાર્યક્રમના સાત વિજેતા ખેલાડીઓના સમ્માન પ્રસંગે બોલી રહ્યા હતા. આ સાત વિજેતાઓને ગોપીચંદ પોતાની બેડમિન્ટન એકેડેમી ખાતે તાલીમ આપવાના છે.
ગોપીચંદે કહ્યું કે અગાઉ બેડમિન્ટનની રમત નંદુ નાટેકર, સુરેશ ગોયલ અને પ્રકાશ પદુકોણ જેવા પુરુષ સિંગલ્સ ખેલાડીઓને લીધે યાદ રખાતી હતી. પરંતુ સાઈના નેહવાલ અને તે પછી સિંધુએ ભારતમાં આ રમતનું ચિત્ર બદલી નાખ્યું.
ગોપીચંદે કહ્યું કે સિંધુ હજી ઓછામાં ઓછી બે ઓલિમ્પિક ગેમ્સમાં રમવા સમર્થ છે.