મુંબઈઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે સત્તાવાર રીતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના અધ્યક્ષ પદનો કારભાર સંભાળ્યો છે. BCCIની વાર્ષિક AGM બેઠકમાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. BCCIએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ગાંગુલીના બોર્ડ અધ્યક્ષ બનવાની જાહેરાત કરી છે. ફોટો શરે કરતા આ ટ્વિટમાં લખવામાં આવ્યું કે ‘સત્તાવાર રીતે ગાંગુલી BCCIના અધ્યક્ષ બન્યા છે.’ ગાંગુલી અધ્યક્ષ બનતા જ સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલ COA સિમિતિનો 33 મહિનાનો કાર્યકાળ પણ સમાપ્ત થયો છે.
ગાંગુલીની ટીમમાં ગૃહપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહના દીકરા જય શાહને સચિવ બનાવવામાં આવ્યા છે. આ સિવાય બોર્ડના અન્ય સભ્યોમાં ઉત્તરાખંડના મહિમ વર્મા ઉપાધ્યક્ષ, BCCI ના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય વિત્ત રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઇ અરૂણ ધૂમલ ટ્રેઝરર અને જયેશ જોર્જ સંયુક્ત સચિવ તરીકે ફરજ નિભાવશે.
ગાંગુલી છેલ્લા 5 વર્ષ અને 2 મહિનાથી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા. તેઓ બીસીસીઆઈના પ્રેસિડેન્ટ તરીકે આ અનુભવ સાથે કામગીરી કરશે. તેમણે નામાંકન થયું ત્યારે કહ્યું હતું કે, દેશમાં ડોમેસ્ટિક ક્રિકેટ અને ક્રિકેટર્સનું સ્તર સુધારશે. તેમજ આઈસીસીમાં બીસીસીઆઈની પોઝિશનને વધુ મજબૂત કરશે. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ગાંગુલી માટે સૌથી મોટો પડકાર રહેશે, કારણકે ક્રિકેટ એડવાઈઝરી કમિટી અને સિલેક્શન કમિટીમાં ટોચના ક્રિકેટર્સને લાવવા અઘરા રહેશે. તે ઉપરાંત તેઓ મહેન્દ્રસિંહ ધોનીના ઇન્ટરનેશનલ કરિયર, ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ અને ફિક્સ ટેસ્ટ સેન્ટર જેવી મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલી માત્ર દસ મહિના સુધી જ બોર્ડના અધ્યક્ષ તરીકે રહેશે અને આગામી વર્ષે જૂલાઇમાં તેમનો કાર્યકાળ પૂર્ણ થઇ જશે. નવા નિયમો અનુસાર, કોઇ પણ સભ્ય સતત 6 વર્ષ સુધી જ ક્રિકેટ બોર્ડના કોઇ પદ પર રહી શકે છે. સૌરવ ગાંગુલી 5 વર્ષ 2 મહિના સુધી બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અધ્યકક્ષ હતા જેથી BCCI માં તેમનો કાર્યકાળ માત્ર 10 મહિનાનો રહેશે.