મુંબઈઃ ટીમ ઈન્ડિયાની ચિંતા વધે એવા સમાચાર છે. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પીઠના દુખાવાની તકલીફથી ખૂબ પરેશાન છે. એને કારણે તે આગામી એશિયા કપ સ્પર્ધા ચૂકી ગયો છે અને હવે એવા અહેવાલ છે કે બે મહિના પછી નિર્ધારિત T20 વર્લ્ડ કપ-2022 પણ એ કદાચ ચૂકી જશે. આ વર્લ્ડ કપ સ્પર્ધા આ વર્ષના ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાવાની છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના એક અધિકારીએ એક સમાચાર પોર્ટલને જણાવ્યું છે કે બુમરાહની ઈન્જરી વિશે હાલના તબક્કે સત્તાવાર રીતે કંઈ કહી શકાય એમ નથી. એને જરૂરી ઉપચાર માટે તથા સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરવા માટે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં દાખલ થવાનું ક્રિકેટ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બુમરાહની ઈજા ચિંતાજનક છે. એ જલદી સાજો થાય એવું લાગતું નથી તેથી એ વર્લ્ડ કપ પણ ચૂકી જાય એવી સંભાવના છે.