આઈપીએલ-2023: દિલ્હી કેપિટલ્સમાં પંતની જગ્યાએ પોરેલ

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ ટીમે આગામી આઈપીએલ-2023 સ્પર્ધા માટે તેના ઈજાગ્રસ્ત ખેલાડી રિષભ પંતની જગ્યાએ બંગાળના વિકેટકીપર-બેટર અભિષેક પોરેલને કરારબદ્ધ કર્યો છે, એમ ઈએસપીએન-ક્રિકઈન્ફોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. પોરેલ દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયા લાંબી શિબિરમાં અનેક પ્રેક્ટિસ મેચો રમ્યો હતો. તે મેચો વખતે ખેલાડીઓના દેખાવ પર ટીમના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલી અને હેડ કોચ રિકી પોન્ટિંગે દેખરેખ રાખી હતી.

પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પોરેલે 26 દાવમાં 6 હાફ સેન્ચુરી ફટકારી છે. પોરેલને ભલે પંતની જગ્યાએ કરારબદ્ધ કરવામાં આવ્યો છે, પણ સ્પર્ધાની મેચોમાં રમવા માટે સરફરાઝ ખાનને પ્રાધાન્ય અપાશે.

રિષભ પંતને ગયા ડિસેમ્બરમાં રૂડકી શહેર નજીક કાર અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી. તે હાલ સારવાર હેઠળ છે.