IPL2018: ગંભીરે દિલ્હી ડેરડેવિલ્સ ટીમનુ સુકાન છોડ્યું; ઐયર નવો કેપ્ટન

નવી દિલ્હી – આ વખતની આઈપીએલ ક્રિકેટ સ્પર્ધા – આઈપીએલ-11માં દિલ્હી ડેરડેવિલ્સ ટીમના અત્યાર સુધીમાં રહેલા કંગાળ દેખાવની નૈતિક જવાબદારી સ્વીકારીને ડાબોડી બેટ્સમેન ગૌતમ ગંભીરે સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે.

ગૌતમ ગંભીર

ગંભીરની જગ્યાએ ટોપ-ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આઈપીએલ-11માં અત્યાર સુધીમાં દિલ્હી ડેરડેવિલ્સ ટીમ 6 મેચ રમી છે જેમાંથી પાંચમાં એનો પરાજય થયો છે. માત્ર એક જ મેચ તે જીતી શકી છે. એકમાત્ર જીત એણે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સામે મેળવી હતી. આ ટીમ પણ હાલ કંગાળ દેખાવ કરી રહી છે.

 

શ્રેયસ ઐયર

ગંભીરે અહીં પત્રકાર પરિષદમાં પોતે કેપ્ટનપદ છોડી રહ્યો છે એવી જાહેરાત કરી હતી. એણે એવી સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય એનો પોતાનો છે. સુકાનીપદ છોડવા માટે એની પર ટીમ મેનેજમેન્ટ કે કોચ તરફથી કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી. જહાજના લીડર તરીકે મારે જ જવાબદારી લેવી પડે. મને લાગે છે કે સુકાનીપદ છોડવાનો આ જ સાચો સમય છે.

આઈપીએલ-11માં ગંભીરનો પોતાનો બેટિંગ દેખાવ પણ સાવ કંગાળ રહ્યો છે. એણે આ રીતે સ્કોર કર્યો છે – 55, 15, 8, 3 અને 4.

ઐયરે કહ્યું છે કે હું નવો પડકાર ઝીલવા માટે તૈયાર છું. મને ટીમનો કેપ્ટન તરીકે પસંદ કરવા બદલ હું ટીમ મેનેજમેન્ટ તથા મારા કોચનો આભારી છું. મારા માટે આ ગૌરવની ક્ષણ છે.