બર્મિંઘમઃ અહીં રમાતા 22મા રાષ્ટ્રકૂળ રમતોત્સવ (કોમનવેલથ ગેમ્સ)માં સ્ક્વોશની રમતમાં વ્યક્તિગત હરીફાઈમાં મેડલ જીતવાની સિદ્ધિ પ્રાપ્ત કરનાર સૌરવ ઘોષાલ પહેલો જ ભારતીય બન્યો છે. એણે ગઈ કાલે મેન્સ સિંગલ્સ વર્ગમાં, ઈંગ્લેન્ડના જેમ્સ વિલસ્ટ્રોપને 3-0થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. વિલસ્ટ્રોપે 2018ની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં આ હરીફાઈનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૌરવે એને પહેલી ગેમમાં 11-6, બીજીમાં 11-1 અને ત્રીજીમાં 11-4થી પરાજય આપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં સૌરવનો આ બીજો મેડલ છે. આ પૂર્વે, 2018ની ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં એણે મિક્સ્ડ ડબલ્સ હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો હતો.
વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 18 મેડલ જીત્યા છે અને મેડલ યાદીમાં તે સાતમા ક્રમે છેઃ
સુવર્ણ ચંદ્રક (પાંચ): મીરાબાઈ ચાનૂ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શેઉલી (વેઈટલિફ્ટિંગ), મહિલા લોન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ.
રજત ચંદ્રક(છ): સંકેત સરગરી, બિંદિયારાની દેવી (વેઈટલિફ્ટિંગ), સુશીલા દેવી (મહિલા જુડો), વિકાસ ઠાકુર (વેઈટલિફ્ટિંગ), બેડમિન્ટન મિક્સ્ડ ટીમ, તુલિકા માન (મહિલા જુડો).
કાંસ્ય ચંદ્રક (સાત): ગુરુરાજા પુજારી (વેઈટલિફ્ટિંગ), વિજયકુમાર યાદવ (પુરુષ જુડો), હરજિન્દરકૌર (વેઈટલિફ્ટિંગ), લવપ્રીતસિંહ (વેઈટલિફ્ટિંગ), સૌરવ ઘોષાલ (સ્ક્વોશ), ગુરદીપસિંહ વેઈટલિફ્ટિંગ), તેજસ્વિન શંકર (એથ્લેટિક્સ-પુરુષ હાઈ-જમ્પ).