ગોલ્ડ કોસ્ટ- કોમનવેલ્થ ગેમ્સ 2018માં આજે ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. 25 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ભારતની શૂટર હીના સિદ્ધુએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે જ ભારતના કુલ ગોલ્ડ મેડલની સંખ્યા 11 થઈ ગઈ છે. કોમનલેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે કુલ 11 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 20 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં ભારત ત્રીજા સ્થાને છે.109 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા મેડલ ટેલીમાં પહેલા નંબરે છે. ઓસ્ટ્રેલિયાએ 41 ગોલ્ડ, 34 સિલ્વર અને 34 બોન્ઝ મેડલ જીત્યા છે. મેડલ ટેલીમાં બીજા નંબરે ઈંગ્લેન્ડ છે. તેણે 23 ગોલ્ડ, 26 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 69 મેડલ જીત્યા છે.
આ પહેલા હીના સિદ્ધુએ મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગ સ્પર્ધામાં ભારતના ખાતામાં કુલ ત્રણ ગોલ્ડ મેડલ આવ્યા છે. હીના સિદ્ધુ પહેલા મનુ ભાકેર અને જીતુ રાય પણ ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. શૂટિંગ વિભાગમાં ભારતે 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે કુલ 8 પદક મેળવ્યા છે.