ગોલમશિન ગણાતા હોકી પ્લેયર બલવીર સિંહનું નિધન

ચંડીગઢઃ ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મહાન હોકી ખેલાડી બલવીર સિંહ સિનિયરનુ સોમવારે નિધન થયુ છે. તેઓ છેલ્લા બે સપ્તાહથી ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. 95 વર્ષીય બલવીરના પરિવારમાં પુત્રી સુશબીર અને ત્રણ પુત્ર કંવલબીર, કરણબીર અને ગુરબીર છે.

મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલના ડાયરેક્ટર અભિજીત સિંહે જણાવ્યુ, ‘તેમનું સવારે 6.30 કલાકે નિધન થયુ. બાદમાં તેમના ભાણેજ કબીરે એક સંદેશમાં કહ્યુ, નાનાજીનું સવારે નિધન થયુ. બલવીર સીનિયરને આઠ મેએ ત્યાં દાખલ કરવામા આવ્યા હતા. તેઓ 18 મેથી અજાગૃત સ્થિતિમાં હતા અને તેમના મગજમા લોહીની ગાંઠ જામી ગઈ હતી. તેમને ફેફસામાં ન્યુમોનિયા અને ભારે તાવ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.’

દેશના મહાનતમ એથલીટોમાંથી એક બલવીર સીનિયર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા પસંદ કરાયેલા આધુનિક ઓલિમ્પિક ઇતિહાસના 16 મહાન ઓલિમ્પિયનોમાં સામેલ હતા.

હેલસિન્કી ઓલિમ્પિક (1952) ફાઇનલમાં નેધરલેન્ડ વિરુદ્ધ પાંચ ગોલનો તેમનો રેકોર્ડ આજે પણ યથાવત છે. તેમનું 1957માં પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું હતું. બલવીર સીનિયરે લંડન (1948), હેલસિન્કી (1952) અને મેલબોર્ન (1956) ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ 1975માં વિશ્વકપ જીતનારી ભારતીય ટીમના મેનેજર હતા.

છેલ્લા બે વર્ષમાં ચોથીવાર તેમને હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યાહતા. ગત વર્ષે જાન્યુઆરીમાં ફેફસામાં ન્યુમોનિયા હોવાને કારણે ત્રણ મહિના હોસ્પિટલમાં રહ્યાં હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]