ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીના શરૂ થવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હરકતે મોટો વિવાદ સર્જ્યો હતો. જેનો હવે ઉકેલ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ભૂલ હતી કે કાવતરૂ તેની કોઈ વિગત વાર જાણકારી પ્રાપ્ત થઈ નથી. પાકિસ્તાન બોર્ડે પોતાની ભૂલ સુધારતાં પોતાના સ્ટેડિયમમાં ભારતનો તિરંગો લહેરાવ્યો છે. આજે કરાચી નેશનલ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ રમાશે.
આખી વાત એમ છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરાચી નેશનલ સ્ટેડિયમ પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામેલ તમામ દેશોની ટીમના ઝંડા લગાવ્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાનો તિરંગો તેમાંથી ગાયબ હતો. આ ભૂલ તેણે જાણી જોઈને કરી હતી કે, કેમ તેની જાણ થઈ શકી નથી. પરંતુ ટીમ ઈન્ડિયાને નજરઅંદાજ કરવુ તેને ભારે પડ્યું. ભારતનો ઝંડો ન લગાવવાથી ચારેકોર વિવાદ થઈ ચૂક્યો હતો. સોશિયલ મીડિયા પર કરાચી નેશનલ સ્ટેડિયમની અમુક તસવીરો અને વીડિયો વાયરલ થયા હતાં. જેમાં ભારતનો તિરંગો ન હતો. પરંતુ અન્ય તમામ દેશોનો તિરંગો હતો. પાકિસ્તાન બોર્ડનું આ વલણ ટીમ ઈન્ડિયા દ્વારા પાકિસ્તાનનો બહિષ્કાર હોવાની અટકળો વહેતી થઈ હતી. સોશિયલ મીડિયા પર કરાચી નેશનલ સ્ટેડિયમની વાયરલ તસવીરોમાં ભારતનો તિરંગો ગુમ રહેતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટ્રોલ થયુ હતું. બાદમાં તેણે પોતાની ભૂલ સુધારી નવી તસવીરો રજૂ કરી હતી. જેમાં ભારતનો તિરંગો સામેલ કરાયો હતો. ઉલ્લેખનીય છે, ટીમ ઈન્ડિયાએ ભલે પાકિસ્તાનમાં મેચ રમવાનો ઈનકાર કર્યો હોય પણ તેણે હોસ્ટ નેશન તરીકે પાકિસ્તાનના નામનો ઉલ્લેખ પોતાની ટી-શર્ટમાં કર્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની તમામ મેચ દુબઈમાં રમવાની છે. આવતીકાલે 20 ફેબ્રુઆરીએ બપોરે 2.30 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે રમશે.
