નીરજ પહેલાં આ ખેલાડીએ ભારતને ગોલ્ડ-મેડલ અપાવ્યો, જાણો…

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ગોલ્ડન બોય નીરજ ચોપડા આજકાલ ખૂબ સમાચારોમાં છે. તેણે ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફીલ્ડ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો, પરતું નીરજ ચોપડા પહેલાં એક એવો એથ્લીટ છે, જેણે ભારત માટે ભાલા ફેંકમાં એક નહીં, પણ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. વળી, બે ગોલ્ડ જીતનાર દેવેન્દ્ર ઝાઝરિયાનું લક્ષ્ય ત્રીજો ગોલ્ડ મેડલ હાંસલ કરવાનું છે. ખાસ વાત એ છે નીરજના વિપરીત દેવેન્દ્ર ઝાઝરિયા પાસે માત્ર એક હાથ છે.

દેવેન્દ્રએ 2004માં એથેન્સ પેરાલિમ્પિકમાં એફ-46 ભાલા ફેંકમાં પહેલો ગોલ્ડ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. એ પછી તેણે 2016ના રિયો પેલાલ્મિકમાં એક વધુ ગોલ્ડ મેડલ મેળવીને સિદ્ધિ બેવડી કરી હતી. જોકે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં તેણે એક હાથ ગુમાવ્યો હતો.

રાજસ્થાનનો રહેવાસી ઝાઝરિયા કોઈ પણ ઓલિમ્પિક કે પેરાલિમ્પિક રમ્તોત્સવમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલો અને એકમાત્ર ભારતીય છે. તેણે 62.17 મીટરના અંતરની સાથે ભાલા ફેંકમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

દેવેન્દ્ર પદ્મશ્રી પ્રાપ્ત કરનાર પહેલો પેરા-એથ્લીટ પણ છે અને તેને 2014માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેનો જન્મ રાજસ્થાનના ચુરુમાં થયો હતો.

11,000 વોટના કેબલ વાયરને અડકી જવાથી દેવેન્દ્રએ ડાબો હાથ હાથ ગુમાવવો પડ્યો હતો. તે પછી પણ તેણે હિંમત હાર્યા વગર સ્કૂલના મેદાનમાં ભાલા ફેંકની તાલીમ શરૂ કરી હતી. તેને અનેક અડચણો પડી હતી, પણ તેને તેના માતા-પિતાનો ટેકો હતો.

40 વર્ષીય દેવેન્દ્ર એકદમ ફિટ છે અને તે આગામી ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે.

 

,