મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) વર્તમાન આઈપીએલ-12 સ્પર્ધામાં પ્લેઓફ મેચોના આયોજન દરમિયાન ગેટ મની રૂપે રૂ. 20 કરોડની રકમની કમાણી કરે એવી ધારણા છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રુપ તબક્કા દરમિયાન જે ગેટ મની આવક થાય એ વિવિધ ફ્રેન્ચાઈઝીઝને ફાળે જાય છે જ્યારે છેલ્લી ચાર મેચો એટલે કે પ્લેઓફ તબક્કાના આયોજનથી થનાર કમાણી ક્રિકેટ બોર્ડના ખાતામાં જાય છે.
ક્રિકેટ બોર્ડે વર્ષ 2019ની આઈપીએલ માટે બનાવેલા બજેટમાં ગેટ મનીમાંથી રૂ. 20 કરોડની કમાણીનો અંદાજ બાંધ્યો છે, જે 2018ની આઈપીએલની ગેટ મની આવક કરતાં બે કરોડ વધારે હશે. 2018માં બોર્ડને રૂ. 18 કરોડની કમાણી થઈ હતી.
આઈપીએલ-12 અથવા આઈપીએલ-2019ની ફાઈનલ મેચ 12 મેએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. ક્વાલિફાયર-1 મેચ (7 મેએ) ચેન્નાઈમાં રમાશે જ્યારે એલિમિનેટર અને ક્વાલિફાયર-2 મેચો વિશાખાપટનમમાં રમાશે.
પ્લેઓફ મેચો સામાન્ય રીતે ગત વર્ષની ચેમ્પિયન અને રનર્સ-અપ ટીમોનાં હોમ ગ્રાઉન્ડ પર રમાતી હોય છે, પરંતુ અમુક સમસ્યાઓને કારણે આ વખતની ફાઈનલ મેચ ચેન્નાઈને બદલે હૈદરાબાદમાં ખસેડવાની બોર્ડને ફરજ પડી છે.
એલિમિનેટર અને ક્વાલિફાયર-2 મેચો હૈદરાબાદમાં યોજાશે એવી ધારણા હતી, પણ 6, 10 અને 14 મેએ ત્યાં સ્થાનિક ચૂંટણી યોજાવાની હોવાથી આ મેચો ત્યાંને બદલે વિશાખાપટનમને ફાળને ગઈ છે.
વિશાખાપટનમ હવે 8 મેએ એલિમિનેટર અને 10 મેએ ક્વાલિફાયર-2 મેચ યોજશે.