મુંબઈ – આઈસીસી વર્લ્ડ કપ-2019માં દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્રારંભિક મેચમાં વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની ભારતીય સેનાનાં ‘બલિદાન’ ચિન્હવાળા વિકેટકીપિંગ ગ્લોવ્સ પહેરીને રમ્યો હતો. એની સામે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ વાંધો ઉઠાવ્યો છે, પણ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ધોનીના સમર્થનમાં આવ્યું છે. ધોનીને આ ગ્લોવ્સ પહેરીને મેચ રમવા દેવાની બીસીસીઆઈએ આઈસીસીને વિનંતી કરી હતી પણ આઈસીસીએ તે નકારી કાઢી છે.
આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું હતું કે તે ધોનીને એના ગ્લોવ્સ પરથી ‘બલિદાન’ ચિન્હ હટાવવાનું કહે. એના જવાબમાં બીસીસીઆઈએ કહ્યું કે અમે અમારા ખેલાડીની તરફેણમાં છીએ.
ઝી ન્યૂઝ ચેનલે બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને કહ્યું છે કે, પરવાનગી માટે અમારે જે ઔપચારિક્તા પૂરી કરવાની હશે તે અમે પૂરી કરીશું.
આઈસીસીના નિયમો કહે છે કે, ખેલાડીઓ અને ટીમના અધિકારીઓને એમના વસ્ત્રો તથા ઉપકરણ સંબંધિત આર્મ બેન્ડ કે અન્ય ચીજવસ્તુઓ મારફત કોઈ પણ પ્રકારનો સંદેશ પ્રદર્શિત કરવાની ત્યાં સુધી પરવાનગી આપવામાં નહીં આવે જ્યાં સુધી ખેલાડી તથા એનું ક્રિકેટ બોર્ડ, બંને એ માટે આઈસીસી પાસેથી પરવાનગી ન મેળવે.
ધોનીએ ‘બલિદાન’ બેજવાળા ગ્લોવ્સ પહેરતાં આ વિવાદ સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે ધોની ભારતીય સેનાની પેરા-રેજિમેન્ટમાં માનદ્દ લેફ્ટેનન્ટ કર્નલ છે. એણે ગઈ પાંચ જૂને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ‘બલિદાન’ બેજવાળા ગ્લોવ્સ પહેર્યા હતા એટલે ભારતીય ક્રિકેટપ્રેમીઓ તો ખુશ થયા છે, પણ આઈસીસીને તે ગમ્યું નથી, કારણ કે એનું કહેવું છે કે એ નિયમોની વિરુદ્ધ છે.
બીસીસીઆઈની કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)ના ચેરમેન વિનોદ રાયે કહ્યું છે કે ધોનીને ઉક્ત ગ્લોવ્સ પહેરવા દેવામાં આવે એની પરવાનગી માટે ક્રિકેટ બોર્ડે આઈસીસીને વિધિસર વિનંતી મોકલી છે. ધોનીના ગ્લોવ્સ પરનું ચિન્હ કોઈ મિલિટરીનું નથી.
આઈસીસીનો એ પણ નિયમ છે કે કોઈ પણ ખેલાડી મેચ રમતી વખતે કોઈ પણ કમર્શિયલ, ધાર્મિક કે લશ્કરી લોગો પ્રદર્શિત કરતું વસ્ત્ર કે ચીજવસ્તુ પહેરી શકે નહીં.
CoAનાં સભ્ય ડાયના એડલજીએ કહ્યું કે, અમે ધોનીને સાથ આપીશું, કોઈ પણ ભારતીય ખેલાડીને આવી બાબતમાં સાથ આપીશું. ધોની કોઈ વિવાદાસ્પદ વ્યક્તિ નથી. એ લોકોએ (આઈસીસીએ) ભૂતકાળમાં પણ કેપ પહેરવા જેવી પરવાનગી આપી હતી. ભારતની નવી મેચ (9 જૂને ઓસ્ટ્રેલિયા સામે) શરૂ થાય એ પહેલાં આ મામલો ઉકેલાઈ જશે એવી અમને આશા છે.
બીસીસીઆઈની વિનંતી પર હવે આઈસીસીની ક્રિકેટ ઓપરેશન્સ ટીમ વર્લ્ડ કપની ઈવેન્ટ ટેકનિકલ કમિટી સાથે ચર્ચા કરશે. આ બંને કમિટીના વડા જ્યોફ ઓલરડાઈસ છે.