ભારત સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમને લાગ્યો મોટો ઝટકો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. બુધવારે, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેના પછી સ્મિથે સાથી ખેલાડીઓને જણાવ્યું કે તે હવે કોઈપણ વનડે મેચ નહીં રમે.

જણાવી દઈએ કે 35 વર્ષીય સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે 169 વનડે રમ્યા છે. જેમાં 5727 રન બનાવ્યા છે. વનડે ફોર્મેટમાં તેમનો બેટિંગ સરેરાશ 43.06 અને સ્ટ્રાઇક રેટ 87.13 છે. આ દરમિયાન તેમણે 12 સદી અને 34 અડધી સદી ફટકારી છે. વનડેમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર 164 રનનો છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્મિથનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તેણે ત્રણ ઇનિંગ્સમાં 97 રન બનાવ્યા હતા, જેમાં તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ 73 રનની હતી. નિવૃત્તિની જાહેરાત કરતી વખતે સ્મિથે કહ્યું, “આ સફર અદભૂત રહી છે, અને મેં તેનો પૂરો આનંદ માણ્યો છે. બે વનડે વર્લ્ડ કપ જીતવા મળ્યા, જે માટે હું ગૌરવ અનુભવું છું. હવે, 2027 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમ નવી તૈયારી કરી શકે, અને મને લાગે છે કે નિવૃત્તિ માટે આ યોગ્ય સમય છે.”

સ્મિથે માત્ર ODI નહીં, પણ ટેસ્ટ ક્રિકેટમાં પણ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં 1 રન બનાવતાં જ 10,000 ટેસ્ટ રનનો આંકડો પાર કર્યો. સ્મિથ ઓસ્ટ્રેલિયાના માટે આ સિદ્ધિ હાંસલ કરનાર ત્રીજા બેટર બન્યા છે. તેમને પહેલા રિકી પોન્ટિંગ (13378), એલન બોર્ડર (11174) અને સ્ટીવ વોએ (10927) આ સિદ્ધિ મેળવી છે. આટલાં વર્ષો સુધી ઓસ્ટ્રેલિયાની ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવ્યા બાદ, સ્ટીવ સ્મિથ હવે ટેસ્ટ ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.