ક્રિકેટ જગતના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું છે. પ્રોવિડન્ટ ફંડ કેસમાં લાગેલા આરોપો બાદ ઉથપ્પા સામે વોરંટ ઈશ્યૂ કરાયો હતો. PF પ્રાદેશિક કમિશનર શદક્ષરી ગોપાલ રેડ્ડી તરફથી આ વોરંટ જારી કરાયું છે અને પુલકેશનગર પોલીસને તાત્કાલિક પગલા લેવાની સૂચના પણ આપી છે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ભારતીય ક્રિકેટર ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડનું સંચાલન કરે છે. તેમના પર કામ કરતા લોકોના પગારમાંથી પીએફના પૈસા કાપી લેવાનો પણ તેમના પીએફ ખાતામાં જમા ન કરવાનો આરોપ છે. આ કેસમાં કુલ 23 લાખ રૂપિયાની હેરાફેરી કરાયાનો આરોપ લાગ્યો છે. 4 ડિસેમ્બરે કમિશનર રેડ્ડીએ પોલીસને ઉથપ્પા વિરુદ્ધ વોરંટ જારી કરવા કહ્યું હતું, પરંતુ તે પોલીસ પાસે પાછું આવી ગયું કારણ કે ઉથપ્પાએ તેનું સરનામું બદલી નાખ્યું હતું. અધિકારીઓ હવે તેનું નવું સરનામું શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિયમો અનુસાર, કોઈપણ કંપની જે તેના કર્મચારીઓના પીએફ કાપે છે તેણે એ રકમ પીએફ ખાતામાં જમા કરાવવી પડે છે. જો આમ ન થાય તો તેને કાયદાનું ઉલ્લંઘન અને પૈસાનો દુરુપયોગ ગણવામાં આવે છે. ઉથપ્પાએ પણ આવું જ કર્યું છે. પોલીસ હવે તેને શોધી રહી હોવાનો દાવો કરાયો છે.