ડબલીનઃ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીં ‘ધ વિલેજ’ મેદાન પર રમાઈ ગયેલી પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં આયરલેન્ડને 7-વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતીય ટીમ અહીં બે T20Iની શ્રેણી રમવા આવી છે. તેણે 1-0થી સરસાઈ મેળવી છે. બીજી અને આખરી મેચ 28 જૂને રમાશે.
ગઈ કાલની મેચમાં વરસાદે વિઘ્ન નાખ્યું હતું. એને કારણે મેચને ટીમ-દીઠ 20 ઓવરને બદલે 12 ઓવરની કરવી પડી હતી. પંડ્યાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. એન્ડી બેલબર્નીના સુકાનીપદ હેઠળની આયરલેન્ડ ટીમે તેના હિસ્સાની 12 ઓવરમાં 4 વિકેટના ભોગે 108 રન કર્યા હતા. પહેલી ત્રણ વિકેટ સસ્તામાં પડી ગયા બાદ હેરી ટેક્ટરે 33 બોલમાં 3 સિક્સર અને 6 બાઉન્ડરીની મદદથી 64 રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો.
તેના જવાબમાં, ભારતે 9.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 111 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓપનર દીપક હુડા 29 બોલમાં 47 (બે સિક્સ, 6 બાઉન્ડરી) અને વિકેટકીપર દિનેશ કાર્તિક 5 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ઈશાન કિશને 25 અને હાર્દિક પંડ્યાએ 24 રન કર્યા હતા (3 સિક્સ, એક બાઉન્ડરી). સૂર્યકુમાર યાદવ પહેલા જ બોલે ઝીરો પર આઉટ થયો હતો. 3 ઓવરમાં 11 રન આપી 1 વિકેટ લેનાર લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઈનામ આપવામાં આવ્યું હતું.