દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓનાં 16 બેટ, ગ્લોવ્સ, પેડ, બૂટની ચોરી

બેંગલુરુઃ આઈપીએલ-2023માં સૌથી ખરાબ દેખાવ દિલ્હી કેપિટલ્સ ટીમનો રહ્યો છે. પોઈન્ટ્સ ટેબલમાં આ ટીમ અત્યાર સુધીમાં તેની પાંચેય મેચ હારીને 10મા ક્રમે, તળિયાના સ્થાને છે. એમાં તેના વિશે એક વધુ આંચકાજનક સમાચાર આવ્યા છે. તેના ખેલાડીઓના 16 બેટની ચોરી થઈ ગઈ છે. તે ઉપરાંત એમના પેડ, બૂટ, ગ્લોવ્સ પણ ગાયબ થઈ ગયા છે. વિદેશી ખેલાડીઓના બેટ પણ ચોરાઈ ગયા છે. પ્રત્યેક બેટની કિંમત આશરે એક લાખ રૂપિયા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

અખબારી અહેવાલ મુજબ, ગઈ 15 એપ્રિલે બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધની મેચ પૂરા થયા બાદ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે એમની કિટ બેગ્સ પછી આવી હતી, પણ એ જોઈને ખેલાડીઓને આંચકો લાગ્યો હતો. કેપ્ટન ડેવિડ વોર્નરના 3 બેટ, મિચેલ માર્શના બે બેટ, ફિલ સોલ્ટના 3 અને યશ ધુલના પાંચ બેટ ચોરાઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. તે ઉપરાંત કેટલાક ખેલાડીઓના પેડ, કેટલાકના ગ્લોવ્સ, કેટલાકના શૂઝ જેવી અન્ય ચીજો પણ પહોંચી નહોતી. દિલ્હી કેપિટલ ફ્રેન્ચાઈઝીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.