આગામી બેઠકમાં RBI વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી સંભાવના!

મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી છે. દેશના GDP ગ્રોથમાં સ્થિરતાને ધ્યાનમાં લેતાં મોનેટરી પોલિસીની ઑક્ટોબરમાં યોજાનારી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટાડો થાય તેવી સંભાવના રેટિંગ એજન્સી S&P ગ્લોબલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.S&P ગ્લોબલ રેટિંગ્સે GDP ગ્રોથ અંદાજ 6.8 ટકા પર જાળવી રાખ્યું છે. RBIની એમ.પી.સી. બેઠક આગામી 7 થી 9મી ઑક્ટોબરના રોજ યોજાશે. જેમાં તે વ્યાજના દરો ઘટાડવા મુદ્દે નિર્ણય લઈ શકે છે. લગભગ દોઢ વર્ષ પહેલાં રેપો રેટ વધારી 6.5 ટકા નિર્ધારિત કર્યા બાદ છેલ્લી નવ બેઠકમાં વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. RBI એમ.પી.સી.એ ફેબ્રુઆરી, 2023થી દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.અમેરિકાની અર્થવ્યવસ્થામાં સુધારાના આશાવાદ સાથે અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં 0.5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફેડના આ વલણને પગલે RBI પણ નરમ વલણ અપનાવી વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાઓ વધી છે.