અમદાવાદ: વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે અને યુનિસેફ ગુજરાતના સહયોગથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ સાથે સંકળાયેલા ઈન્ફ્લુઅન્સર્સ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફોરમમાં ઉપસ્થિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ સાથે સંવાદ કરતાં યુનિસેફ-ગુજરાતના ન્યુટ્રીશન સ્પેશ્યાલિસ્ટ ડૉ. કવિતા શર્માએ જણાવ્યું હતું કે, સ્તનપાન ન કરાવવાથી ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આર્થિક અને સામાજિક રીતે ખૂબ જ મોટું નુકસાન થાય છે. બાળ મરણ, કુપોષણ અને અન્ય બીમારી જેવાં ગંભીર પરિણામો જોવા મળે છે. તેથી વિશ્વમાં પ્રતિ વર્ષ તા. ૧ થી ૭ ઓગષ્ટ દરમ્યાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરીને સમાજમાં સ્તનપાનનું મહત્વ સમજાવવાના પ્રયાસો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં યુનિસેફના ન્યુટ્રીશન ઓફિસર સૌમ્યા દવેએ સ્તનપાનને પ્રોત્સાહન, સમર્થન, રક્ષણ તથા સ્તનપાનનું મહત્વ સમજાવતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આ પ્રસંગે સ્તનપાન તથા પોષણ વિષયક ટેકનીકલ બાબતોની જાણકારી યુનિસેફ કન્સલ્ટન્ટ હાર્દિક શાહ અને ડૉ.કુલદીપસિંગે પૂરી પાડી હતી.