અમદાવાદઃરાજ્યમાં ગઈ કાલે ઉત્તરાયણને દિવસે પતંગની દોરીથી છ લોકોનાં મોત થયાં હતાં. રાજ્યમાં વિવિધ શહેરોમાંપતંગની દોરીથી ગળા કપાતાં છ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે મકરસંક્રાંતિના પતંગોત્સવના દિવસે 108ને 2299 ઇમર્જન્સી કોલ મળ્યા હતા. જ્યારે રાજ્યમાં પતંગ અને દોરીથી 1400 પક્ષીઓ ઘાયલ થયા હતા.
રાજ્યમાં રાજકોટમાં પતંગની દોરીને કારણે એક બાઈકચાલકનું મોત થયું હતું, જ્યારે સુરેન્દ્રનગરના પાટડીના ઈશ્વરભાઈ ઠાકોરનું દોરીને કારણે મોત થયું હતું. આ સાથે હાલોલના 15 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત થયું હતું, જ્યારે કડીમાં વીજતાર પર પડેલી દોરીને દૂર કરવા જતાં મહિલાનું કરંટથી મોત થયું હતું. આ ઘટના દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઈનું પણ મોત થયું હતું આ સાથે ભરૂચના નબીપુર પાસે સંજય પાટણવાડિયાનું ગળું કપાતાં મોત થયું હતું.
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષના 108ને 188 વધુ કોલ મળ્યા હતા. દોરીથી ઇજા થતાં રોડ અકસ્માતના પ્રમાણમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં બપોર સુધીમાં 500 ઈમર્જન્સી કોલ આવ્યાં હતા, સુરતમાં 228, રાજકોટમાં 160 ઈમર્જન્સી કોલ, વડોદરામાં 141, ભાવનગરમાં 116 ઈમર્જન્સી કોલ, દાહોદમાં 100, ગાંધીનગરમાં 82 અને જામનગરમાં 81 કોલ્સ આવ્યા હતા.
ઉત્તરાયણ પર્વમાં અત્યાર સુધી 6 લોકોએ જીવ ગુમાવવાની સાથે અનેક પક્ષીએ પણ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1400 જેટલા પક્ષી ઘાયલ થયા છે. નોંધપાત્ર બાબત એ છે કે પશુ-પંખીઓ પણ ઈજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો થયો છે. સાંજ સુધીમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમર્ન્સી કોલ મળ્યા હતા, જેમાં 758 પશુના અને 644 પક્ષીઓના હતા.