મમતાને આંચકોઃ TMCના વરિષ્ઠ નેતા મદન મિત્રા બળવાખોર જૂથમાં જોડાયા

કોલકાતાઃ TMCનાં વડાં અને પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનર્જીની નજીકના ગણાતા ધારાસભ્ય મદન મિત્રા વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથમાં જોડાયા છે. કામરહાટીથી ધારાસભ્ય મિત્રાએ જણાવ્યું હતું કે તેમણે મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMCની તમામ રાષ્ટ્રીય અને રાજ્ય સમિતિઓમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે તાત્કાલિક અસરથી પાર્ટીના મુખ્ય સચેતક (Chief Whip) પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે.

બળવાખોર નેતા સાથે મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતાં મિત્રાએ કહ્યું હતું કે મેં માત્ર મારો રૂમ બદલ્યો છે, ઘર નહીં. હું હજુ પણ TMCનો જ ભાગ છું. તેમણે કહ્યું હતું કે મેં અભિષેક બેનર્જીને સૂચન કર્યું હતું કે તેઓ છ મહિના અથવા એક વર્ષ માટે પાર્ટીથી દૂર રહે. મેં તેમને કહ્યું હતું કે અમને પાર્ટીને મજબૂત કરવાની તક આપો, પછી તમે પાછા આવીને તમારું સ્થાન સંભાળી શકો. પરંતુ તેમણે ના પાડી. તેમણે કહ્યું હતું કે હું પાર્ટી છોડવાનો નથી. પાર્ટી ડૂબી રહી છે, નાવ ડૂબી ચૂકી છે, લોકો પીડાઈ રહ્યા છે. પાર્ટી સૌની છે. મેં તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. જોકે હું હજુ પણ ધારાસભ્ય છું.

આ ઘટનાક્રમને મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMC માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી પાર્ટી અભૂતપૂર્વ બળવાના સામનો કરી રહી છે. મિત્રાએ વધુમાં કહ્યું હતું કે પાર્ટી સૌની છે, છતાં એવું લાગે છે કે તે માત્ર અભિષેકની સેવા સુધી મર્યાદિત બની ગઈ છે. હું મમતા દીદીને વિનંતી કરું છું કે આને એક મેરેથોનની જેમ જુઓ. રસ્તામાં આપણે ફરી મળીશું. જોઈએ કે અંતે કયો ઘોડો આગળ નીકળે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્ય તરીકે યથાવત્ રહેશે. જોકે તેમણે કહ્યું હતું કે હવે તેઓ પોતાને કાર્યાત્મક રીતે તૃણમૂલના ધારાસભ્ય તરીકે માનતા નથી.

ED દ્વારા પત્ની અને પુત્રોને સમન્સ

મિત્રાએ આ પગલું તેનાં એક દિવસ બાદ ભર્યું છે, જ્યારે EDએ કથિત મ્યુનિસિપલ ભરતી કૌભાંડને મામલે તેમના બે પુત્રો અને પત્નીને સમન્સ પાઠવ્યા હતા. આ ઘટનાએ વરિષ્ઠ TMC નેતા સાથે જોડાયેલા રાજકીય વિકાસમાં નવો વળાંક લાવ્યો છે.