શેર માર્કેટઃ પતંજલિ ફૂડ્સના રોકાણકારોને મોટો ફટકો

બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સનો શેર દિવસેને દિવસે લથડી રહ્યો છે. જેના કારણે રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા 1 સપ્તાહથી પતંજલિ ફૂડના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારોને અત્યાર સુધીમાં લગભગ 7000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેર હજુ પણ વધુ નીચે આવે તેવી શક્યતા છે. તેથી રોકાણકારોને વધુ નુકસાન સહન કરવું પડી શકે છે.

3 ફેબ્રુઆરીએ લાગ્યું લોઅર સર્કિટ
3 ફેબ્રુઆરીએ પતંજલિ ફૂડ્સના શેરમાં લોઅર સર્કિટ લાગ્યું હતું. તે ઘટીને 903.35ની કિંમત પર આવી ગયો હતો. ટ્રેડિંગના અંતે શેરનો ભાવ રૂ. 906.80 રહ્યો, જે 1 દિવસ પહેલાની સરખામણીમાં 4.63 ટકાનો ઘટાડો દર્શાવે છે. તો કંપનીનું માર્કેટ કેપિટલ 32825.69 કરોડ રૂપિયા છે. 27 જાન્યુઆરીએ શેરનો ભાવ રૂ.1102ના સ્તરે હતો. માર્કેટ કેપિટલ લગભગ 40,000 કરોડ રૂપિયાના સ્તરે હતું. આ સંદર્ભમાં એક સપ્તાહમાં માર્કેટ કેપિટલ 7000 કરોડ રૂપિયા નીચે આવી ગયું છે. જેણે રોકાણકારોને મોટો ફટકો આપ્યો છે.

ત્રિમાસિક પરિણામો કર્યા જાહેર
પતંજલિ ફૂડ્સે 31 ડિસેમ્બર 2022ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે પ્રોફિટ 15 ટકાની વૃદ્ધિની સાથે 269 કરોડ રૂપિયા છે. જ્યારે 1 વર્ષ પહેલાના સમયગાળામાં આ 234 કરોડ પર હતું. પતંજલી ફૂડની આવક 26% વધીને 7929 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તો 1 વર્ષ પહેલા તે 6280 કરોડ રૂપિયા હતી. પતંજલિ ફૂડ્સનો સ્ટોક કેટલો સમય આ રીતે રહેશે તે કહેવું લોકો માટે મુશ્કેલ છે.

રોકાણકારો ચિંતા વધી
જેમ જેમ શેરબજાર નીચે આવી રહ્યું છે. દિવસેને દિવસે રોકાણકારોની ચિંતા પણ વધી રહી છે. મોટી સંખ્યામાં લોકોએ પતંજલિના શેર ખરીદ્યા છે. આ દિવસોમાં શેરબજારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે.