OMG ! હાઈકોર્ટની વર્ચુઅલ સુનાવણીમાં બિયર પીતા જોવા મળ્યા એડવોકેટ

મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને એડવોકેટ ભાસ્કર તન્ના વર્ચ્યુઅલી સુનાવણીમાં જોડાયા હતા. આ દરમિયાન તેમનો લાઈવ વીડિયો ચેટનો વિકલ્પ ખુલ્લો હતો અને આ દરમિયાન તેમણે બીયર પીધી અને ફોન પર પણ વાત કરતા જોવા મળ્યા હતા. કોર્ટે આ બાબતની ગંભીર નોંધ લીધી, તેને ‘અપમાનજનક અને ભયાનક’ વર્તન ગણાવ્યું અને અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી.

ન્યાયાધીશ એ.એસ. સુપેહિયા અને આર.ટી. વાછાણીની બેન્ચે જણાવ્યું હતું કે ભાસ્કર તન્નાના વર્તનને કારણે તેમનો સિનિયર એડવોકેટનો દરજ્જો છીનવાઈ જવો જોઈએ, પરંતુ કેસની સુનાવણી પછી આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.

આ ઘટના 25 જૂનના રોજ બની હતી, જ્યારે ન્યાયાધીશ સંદીપ ભટ્ટની આગેવાની હેઠળની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી અને આ ઘટનાની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જસ્ટિસ સુપેહિયાએ કહ્યું, “સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી હાઈકોર્ટની કાર્યવાહીની એક વિડિયો ક્લિપ સુનાવણીમાં હાજરી આપતી વખતે ફોન પર વાત કરવાનું અને બિયર પીવાનું તેમનું અપમાનજનક વર્તન દર્શાવે છે.”

કોર્ટે કહ્યું કે એડવોકેટ તન્નાના આ કૃત્યના ગંભીર પરિણામો આવશે અને જો તેને અવગણવામાં આવે તો તે કાયદાના શાસન માટે વિનાશક બનશે. કોર્ટે વધુમાં કહ્યું, અમે રજિસ્ટ્રીને વરિષ્ઠ વકીલ ભાસ્કર તન્ના સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપીએ છીએ. રજિસ્ટ્રી આગામી સુનાવણીની તારીખ પહેલાં રિપોર્ટ રજૂ કરશે.