પહલગામ હુમલા પછી CCSની બીજી બેઠક આવતી કાલે

નવી દિલ્હીઃ સુરક્ષા દળોએ 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઝુંબેશને તેજ બનાવી દીધું છે. ભારતે હવે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો છે. પોતાને સરહદ પાર આતંકવાદનો શિકાર બતાવીને ભારતે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના કબૂલનામાને ઉજાગર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની રાજદૂત યોજના પટેલે જણાવ્યું કે તેમનું કબૂલનામું આશ્ચર્યજનક નથી અને તે પાકિસ્તાનને એક દુષ્ટ દેશ તરીકે પ્રગટ કરે છે, જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે. પટેલે જણાવ્યું હતું કે હવે વિશ્વ વધુ લાંબો સમય આંખો બંધ રાખીને રહી નથી શકતું.

પાકિસ્તાની સૈનિકોએ  28-29 એપ્રિલની રાત્રે સતત પાંચમી રાત જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર વિરુદ્ધ યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ સંયમ દાખવ્યો હતો. ગોળીબાર કુપવાડા અને બારામુલા જિલ્લા તેમ જ અખનૂર સેક્ટરમાં પણ થયો હતો.

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક આવતી કાલે સવારે 11 વાગ્યે PM મોદીની અધ્યક્ષતામાં મળશે, જેમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ઝિપ લાઇન ઓપરેટરની ભૂમિકાની પુષ્ટિ કરી રહી છે, જેમણે ગોળીબાર શરૂ થતા અલ્લાહ-હૂ-અકબરનાં સૂત્રો પોકાર્યાં હતાં. પ્રવાસન સ્થળો બંધ કરવા અંગે ભાજપના નેતા અલ્તાફ ઠાકુરે જણાવ્યું હતું  કે આ (પહલગામ હુમલો) કાશ્મીર, ત્યાંના નિવાસીઓ અને પ્રવાસન પર મોટો હુમલો છે. તેથી 48 પ્રવાસન સ્થળોને બંધ કરવું યોગ્ય પગલું છે. હાલ ત્યાં કોઈ સુરક્ષા તહેનાત નથી. ભવિષ્યમાં શક્ય પરિણામોને ટાળવા માટે આ યોગ્ય નિર્ણય છે.

બીજી બાજુ, પહલગામ આતંકવાદી હુમલા બાદ ‘પાકિસ્તાનનો બચાવ’ કરવા બદલ આસામમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.