સેબીએ અમેરિકન ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ માર્કેટ નિયામક સેબી (SEBI) એ અમેરિકાની ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટને ભારતીય સિક્યોરિટી બજારમાંથી પ્રતિબંધિત કરી છે અને કંપનીને 4843.57 કરોડ રૂપિયાનો ગેરકાયદે નફો પરત કરવા આદેશ આપ્યો છે. કંપની પર આરોપ છે કે તેણે ઇન્ડેક્સ ઓપ્શનના સમાપ્તિના દિવસોમાં ઇન્ડેક્સ સ્તરમાં હેરફેર કરીને મોટો નફો કમાવવાનો પ્રયાસ કર્યો હતો.

સેબીએ JSI ઇન્વેસ્ટમેન્ટ્સ, JSI2 ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જેન સ્ટ્રીટ સિંગાપુર પ્રાઇવેટ લિમિટેડ અને જેન સ્ટ્રીટ ગ્રુપ (JS Group) ની એશિયા ટ્રેડિંગ યુનિટ (ઓનલાઇન ટ્રેડિંગ)ને બજાર પ્રવૃત્તિઓમાંથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સેબીના વચગાળાના આદેશ અનુસાર, આ કંપનીઓએ 1 જાન્યુઆરી 2023થી 31 માર્ચ 2025 વચ્ચે NSEના તમામ ઉત્પાદક શ્રેણી અને સેગમેન્ટમાં કુલ ₹43,289 કરોડથી વધુનો નફો કમાવ્યો હતો.

સેબીએ તપાસમાં જણાવ્યું છે કે જેન સ્ટ્રીટે હાઇ ફ્રિક્વન્સી ટ્રેડિંગ દ્વારા બજારને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. કંપનીએ મુખ્યત્વે બેંક નિફ્ટી ઇન્ડેક્સના ઓપ્શન સેગમેન્ટમાં મોટી પોઝિશન બનાવી હતી અને પછી કેશ અને ફ્યુચર્સ માર્કેટમાં સ્ટોકના ભાવમાં હેરફેર કરી હતી. સેબીએ જણાવ્યું હતું કે આ કંપનીએ ખાસ કરીને ઓપ્શનના વીકલી એક્સપાયરી દિવસે મોટી ખરીદી કરી હતી જેથી બેંક નિફ્ટીના સ્ટોક્સના ભાવમાં વૃદ્ધિ થાય અથવા તે સ્થિર રહે.

સેબીના આદેશ અનુસાર 14 એક્સપાયરી દિવસોમાં કંપનીએ બેંક નિફ્ટી ફ્યુચર્સમાં ભારે ખરીદી કરી હતી અને કેશ સેગમેન્ટમાં ઓપ્શન મોટી માત્રામાં વેચ્યા હતા – ખાસ કરીને સવારે. પરંતુ બપોર બાદ કંપનીની યુનિટ્સે બેંક નિફ્ટી ફ્યુચર્સમાં આક્રમક રીતે વેચાણ શરૂ કર્યું હતું, જેથી ઇન્ડેક્સની ક્લોઝિંગ પ્રભાવિત થઈ.

કંપનીએ આ ચાલોથી ઓપ્શન સેગમેન્ટમાં રૂ.735 કરોડનો નફો રળ્યો હતો, જ્યારે કેશ અને ફ્યુચર્સમાં રૂ. 61.6 કરોડનો ઇન્ટ્રાડે લોસ નોંધાવ્યો હતો. તેમ હેરફેરથી કંપનીએ રૂ. 673.4 કરોડનો સીધો નફો રળ્યો હતો.

સેબીએ કહ્યું હતું કે જો કંપનીને ફરીથી કાર્ય કરવાની પરવાનગી આપવામાં આવે તો તે મોટી સંખ્યામાં રોકાણકારોના હિત માટે જોખમકારક બની શકે. આથી SEBIએ સીધી કાર્યવાહી કરીને તેમને રોકવાની ફરજ પાડી છે અને 4843.57 કરોડ રૂપિયાનો ગેરકાયદે નફો પાછો આપવા આદેશ આપ્યો છે.