પટનાઃ બિહારમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ કેવી છે, તેનો ખુલાસો શિક્ષણ વિભાગની હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (HRMS)ના આંતરિક ઓડિટમાં થયો છે. આ ઓડિટમાં અનેક ગેરરીતિઓ સામે આવી છે. તેમાં પરવાનગી વિના પોર્ટલનો ઉપયોગ, પગારમાં બિનઅધિકૃત ભથ્થાં ઉમેરવા અને સીધા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા જેવી ગેરરીતિઓ મળી આવી છે.
નવાડા, પટના અને ભાગલપુર જિલ્લાના સરકારી શાળાઓમાં થયેલા ઓડિટથી રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં નાણાકીય પારદર્શિતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. પગારના રેકોર્ડમાં હેરાફેરી, HRMS પોર્ટલના લૉગિનનો દુરુપયોગ અને નકલી શિક્ષકોના નામે ચુકવણી કરવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે.
લગભગ રૂ. 2 કરોડની ગેરરીતિ સામે આવી
આ ઓડિટ બાદ સરકારે રાજ્યના તમામ 38 જિલ્લાઓમાં ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. ઓડિટના અહેવાલ મુજબ, પરવાનગી વિના પોર્ટલનો ઉપયોગ, પગારમાં બિનઅધિકૃત ભથ્થાં ઉમેરવા અને નકલી શિક્ષકોને નામે સરકારી નાણાંની ચુકવણી જેવા કિસ્સાઓ સામે આવ્યા છે.
નવાડા, પટના અને ભાગલપુરમાં સામે આવેલા ત્રણ અલગ-અલગ કિસ્સાઓમાં લગભગ રૂ. 1.85 કરોડની કથિત અનિયમિત ચુકવણીનો ઉલ્લેખ છે. આ મામલાઓમાં પોલીસ તપાસ અને વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓછામાં ઓછા ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જાણો શું છે મામલો?
નવાડા
નવાડા જિલ્લામાં આંતરિક નાણાકીય અને પોર્ટલ ઓડિટના અહેવાલમાં પ્રાથમિક શાળાના સ્તરે કથિત નાણાકીય ગેરરીતિઓનો મામલો સામે આવ્યો છે. આ સંબંધમાં 13 ઓક્ટોબરે નવાડાના ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
રૂ. 46,000નો પગાર વધારીને રૂ. 4.91 લાખ કરી દેવાયો
ફરિયાદ મુજબ, એપ્રિલ, 2025માં શિક્ષકનો મંજૂર કુલ માસિક પગાર રૂ. 46,772 હતો. જોકે કથિત રીતે પોર્ટલ પર આ પગાર વધારીને રૂ. 4,91,772 કરી દેવામાં આવ્યો હતો. તેમાં બિનઅધિકૃત ભથ્થાં ઉમેરવામાં આવ્યા હોવાનો આરોપ છે.
રૂ. 10 લાખથી વધુની બિનઅધિકૃત ચુકવણી
એ જ રીતે, મે 2025માં રૂ. 46,772ના મંજૂર પગારની સામે રૂ. 3,49,500ની ચુકવણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તપાસમાં એવો પણ આરોપ છે કે શિક્ષકના બેંક ખાતામાં સમગ્ર શિક્ષા ફંડમાંથી રૂ. 2.86 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યારે આ રકમ તે ભંડોળમાંથી ચૂકવવાની ન હતી. એફઆઈઆર અનુસાર, શિક્ષકને કુલ રૂ. 10,43,950ની કથિત બિનઅધિકૃત ચુકવણી કરવામાં આવી હતી.

પટના
પટના જિલ્લામાં. 14 ઓક્ટોબરે જિલ્લા શિક્ષણ અધિકારી યોગેશ કુમારે ગુલઝાર બાગ સ્થિત FNS એકેડમીના ક્લાર્ક વિજયકુમાર વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યા હતા. તેમના પર સરકારી અને વિભાગીય ભંડોળમાં રૂ. 76,71,983ની કથિત નાણાકીય ગેરરીતિઓમાં સામેલ હોવાનો આરોપ છે.
ભાગલપુર
ભાગલપુરના અન્ય એક કેસમાં તનુશ્રી નામની કથિત નકલી શિક્ષિકાના નામે અનેક મહિનાઓ સુધી ₹98,12,773ની બિનઅધિકૃત ચુકવણી કરવામાં આવી હોવાના આરોપસર જિલ્લા શિક્ષણ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ મામલામાં પણ 8 ઓક્ટોબરે જોગસર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.






