ઇન્દોરઃ મધ્ય પ્રદેશમાં લોકાયુક્તના દરોડામાં વન વિભાગના એક ઉચ્ચ અધિકારીની અપ્રમાણસર સંપત્તિનો ખુલાસો થયો છે. સતપુડા ટાઇગર રિઝર્વના ડેપ્યુટી ડિરેક્ટર સંજીવ કુમાર શર્માના ભોપાલ સ્થિત નિવાસસ્થાને જ્યારે લોકાયુક્તની ટીમ પહોંચી ત્યારે ત્યાંથી સોનું, ચાંદી, લાખો રૂપિયાની રોકડ, મોંઘી ગાડીઓ અને કીમતી ઘરવખરી મળી આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર અધિકારીના ઘરેથી આશરે રૂ. 3.5 કરોડનું સોનું મળી આવ્યું છે.

આ કાર્યવાહી બાદ વન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકાયુક્તની ટીમ અધિકારીની સંપત્તિ, રોકાણ અને બેંક ખાતાં સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહી છે. પચમઢીમાં ફરજ બજાવતા SDO સંજીવ શર્મા વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મધ્ય પ્રદેશ લોકાયુક્તની સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટની ટીમે શનિવારે ભોપાલની પ્રોફેસર કોલોનીમાં આવેલા સંજીવ કુમાર શર્માના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આવકના જાણીતા સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના આરોપો સંબંધિત કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. લોકાયુક્તની ટીમે અધિકારીના ઘર ઉપરાંત તેમની સાથે સંકળાયેલાં અન્ય સ્થળોએ પણ એકસાથે તપાસ અભિયાન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન અધિકારીઓને રૂ. 26 લાખ 36,800ની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત 2.528 કિલોગ્રામ સોનું પણ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત આશરે રૂ. 3.5 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે 1.656 કિલોગ્રામ ચાંદી મળી આવી હતી, જેની કિંમત આશરે રૂ. 2.94 લાખ આંકવામાં આવી છે.
4 ગાડીઓ પણ મળી, ₹50 લાખની ઘરવખરીનો ખુલાસો
લોકાયુક્તની કાર્યવાહીમાં માત્ર સોનું, ચાંદી અને રોકડ જ નહીં, પરંતુ અનેક મોંઘાં વાહનો પણ મળી આવ્યાં છે. અહેવાલ અનુસાર, તપાસ દરમિયાન ચાર વાહનો મળી આવ્યાં હતાં. તેમાં એક સ્કોર્પિયો, એક મહિન્દ્રા કેયુવી, એક રોયલ એનફિલ્ડ બુલેટ અને એક સ્કૂટરનો સમાવેશ થાય છે. આ વાહનોની કુલ અંદાજિત કિંમત આશરે રૂ. 31.2 લાખ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત અધિકારીના ઘરેથી આશરે રૂ. 50 લાખની કિંમતની ઘરવખરી પણ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લોકાયુક્તની ટીમ હવે સંપત્તિ સંબંધિત દસ્તાવેજો, બેંકિંગ વ્યવહારો, રોકાણ અને અન્ય નાણાકીય રેકોર્ડની તપાસ કરી રહી છે.






