મુંબઈ: મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લા સાત વર્ષથી મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની શાળાઓમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું, ગુજરાતી અંગ્રેજી ભાષામાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું તેમજ 100 ટકા પરિણામ લાવનાર શાળાઓનું સન્માન કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરે છે. આ વર્ષે ‘માતૃભાષામાં શિક્ષણનું મહત્વ’ સમજાવતી થીમ પર સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સ્ટેજ તેમ જ પરિસરની સજાવટ માતૃભાષામાં ભણતરનું મહત્વ તેમજ ફાયદા સમજાવતા વિવિધ બેનર્સથી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ઘાટકોપરની એસ.પી.આર.જૈન કન્યાશાળા ટ્રસ્ટનાં સૌજન્યથી ભૂરીબેન ગોળવાળા ઓડિટોરિયમમાં યોજાયો હતો. કાર્યક્રમમાં નાસિક,પુના,સાંગલી,દહાણુ તેમ જ મુંબઈની અલગ-અલગ શાળા-સંસ્થાનાં પદાધિકારીઓ, આચાર્યો, શિક્ષકો, સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતાએ આવીને સમારોહની શોભા વધારી હતી. આ કાર્યક્રમની મંગળ શરૂઆત દિપ પ્રાગટ્યથી થઈ હતી. ત્યારબાદ એસ.પી.આર. જૈન કન્યાશાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. પછી અંગ્રેજી વિષયમાં, ગુજરાતી વિષયમાં તેમજ બંને વિષયમાં 85 અથવા 85 કરતાં વધુ ગુણ મેળવનાર કુલ 14 વિદ્યાર્થીઓને 500 રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ત્યારબાદ હુસૈનીભાઈ દવાવાલા નિર્દેશિત થીએટ્રિક્સ ગ્રુપ દ્વારા ‘આપણી માતૃભાષા, આપણી જવાબદારી’ નાં વિષયને ધ્યાનમાં રાખી નાટકની શુભ શરૂઆત રંગલા અને રંગલીનાં ભવાઈના વેશથી થઈ કે જેમાં આજની પેઢી ટોમ એન્ડ જેરી, સીનચેન, ડોરેમોન જેવા કાર્ટૂન પાછળ ગાંડીતૂર બની છે ત્યારે આપણો સાંસ્કૃતિક બાળ સાહિત્યના વારસાને સ્ટેજ સમક્ષ રજુ કર્યુ હતું. એસ.પી.આર. જૈન કન્યાશાળાની બાળાઓ દ્વારા અદ્ભૂત પિરામિડ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં બાળાઓએ સાહસિક રીતે શૌર્યતા દાખવી અલગ-અલગ કુલ 13દૃશ્યો બતાવી વિદ્યાર્થીના જીવનમાં માતૃભાષામાં ભણતરનું મહત્વ દર્શાવતો સંદેશ પાઠવ્યો હતો.નાટક અને પિરામિડથી પ્રભાવિત થઈ પ્રેક્ષકોમાંથી રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી જે ખૂબ જ પ્રોત્સાહક હતું.
મુંબઈ ગુજરાતી સંગઠનની યુવાટીમનાં સભ્યો દ્વારા લગાતાર ત્રણ વર્ષથી માતૃભાષાના ભણતર માટેની જાગૃતિ લાવવા માટે શેરીનાટક કરવામાં આવે છે. જેના માટે સમારોહમાં આવેલા અતિથીઓ તરફતી બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં 15વર્ષથી માતૃભાષાની શાળાઓ માટે અવિરતપણે કાર્યરત છે આ વાતથી અવગત કરાવવા માટે મીરા ચાવડા, પાર્થ લખાણી તેમજ ભાવેશભાઈ મહેતા દ્વારા મુંબઈ ગુજરાતી સંગઠનના ધ્યેય અને કાર્યો સમજાવવામાં આવ્યા હતા.તેમ જ દરેક ને પોતાની શાળાને ફરીથી ધમધમતી કરવા પોતાની જવાબદારી નિભાવવા મુંબઈ ગુજરાતી સંગઠન પૂરો સહયોગ આપશે એવી મક્કમ બાહેધરી પણ આપવામાં આવી.
તેમજ છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્રની માતૃભાષા ગુજરાતીની ઉત્તમ પ્રાથમિક અને માધ્યમિક શાળાની જેમ આ વર્ષથી ‘માતૃભાષાનું ઉત્તમ બાળમંદિર’ નાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી. તેમજ પોતાના વિસ્તારમાં અંગ્રેજીમાં વટલાવવની પ્રવૃત્તિ અટકાવવા માતૃભાષાના બાલમંદિર શરૂ કરવામાં પૂરો સહયોગ આપવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી. હવેથી દરેક ઉત્તમ શાળા અને બાળમંદિરને 11,000 રોકડ પુરસ્કાર તેમજ સ્મૃતિચિહ્ન આપવામાં આવશે.
મહારાષ્ટ્ર બોર્ડની ગુજરાતી માધ્યમની શાળાના પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર ચાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી, સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયનાં વર્ષ 1984-85 નાં બેચ તરફથી ચાંદીની લગડી, ઘડિયાળ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમ જ પ્રાઇવેટ એસ એસ સી, બારમાં ધોરણના અને અનુસ્નાતક માટેના ચાર વિશેષ ઈનામ આપવામાં આવ્યા.અને પછી મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની દરેક શાળામાં પ્રથમ આવનાર કુલ 64વિદ્યાર્થીઓને 1000 રૂપિયા રોકડ પુરસ્કાર, ટ્રોફી તેમજ સો ટકા પરિણામ લાવનાર કુલ 28 શાળાઓને ટ્રોફી અને પાયથન પુસ્તક પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું.આમ કુલ 1, 40, 000 રૂપિયાના રોકડ ઈનામો આપવામાં આવ્યાં હતાં.