ભાવનગરમાં યોજાશે શાસ્ત્રીય સંગીતનો અનોખો કાર્યક્રમ

ભાવનગર: બનારસ ઘરાનાના ખયાલ ગાયકીની ગાયક બેલડી એટલે પદ્મભૂષણ પંડિત રાજન-સાજન મિશ્રા. કમનસીબે રાજન-સાજન બંધુઓમાંથી રાજન મિશ્રાએ કોરોના કાળમાં વર્ષ 2021માં આ દુનિયાને અલવિદા કરી એટલે આ જોડી તો તૂટી છે, પણ એમના ચાહકોના દિલમાં એમની યાદો હજુ અકબંધ છે. આગામી 15 થી 17 નવેમ્બર દરમ્યાન ભાવનગરમાં યોજાનાર એક કાર્યક્રમ એની સાખ પૂરે છે.

હા, પંડિત રાજન મિશ્રાની 73મી જન્મ જયંતિ નિમિત્તે ભાવનગરમાં સલોનીબહેન ગાંધીએ ત્રણ દિવસીય ક્લાસિકલ સંગીતના કોન્સર્ટનું આયોજન કર્યું છે. આગામી 15, 16 અને 17મી નવેમ્બરના રોજ લિવિંગ વીથ મ્યૂઝિક અને અનુભૂતિ ટ્રસ્ટ દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીતનું પરફોર્મન્સ તો હશે જ, સાથે એક ખાસ વર્કશોપ પણ યોજાશે.

ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં 15મી નવેમ્બરના રોજ વોકલમાં સ્વર્ણેશ મિશ્રા અને કથકમાં વિશાલ ક્રિષ્ના પર્ફોમ કરશે. જ્યારે 16મી નવેમ્બરના રોજ અભિષેક મિશ્રાનો સોલો તબલા પર્ફોમન્સ છે અને વોકલમાં સુનંદા શર્માનું પર્ફોમન્સ છે. 17મી નવેમ્બરના રોજ વાયોલિન વાદક વિદૂષી કલા રામનાથનું પર્ફોમન્સ છે. આ સિવાય 16મી નવેમ્બરના રોજ પદ્મભૂષણ પંડિત સાજન મિશ્રાની વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 17મી નવેમ્બરના રોજ વાયોલિન વાદક વિદૂષી કલા રામનાથની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમ વિશે વાત કરતાં આયોજક સલોની ગાંધી ચિત્રલેખા.કોમને કહે છે, ‘આ બધાં જ કલાકારો એક કે બીજી રીતે સ્વ. પંડિત રાજન મિશ્રા સાથે જોડાયેલા રહ્યા છે. કોઈએ તેમની સાથે કામ કર્યુ છે તો કોઈ એમની પાસેથી શીખ્યું છે. આથી એમની સાથેના પ્રેમના લીધે તેઓ આ કાર્યક્રમ કરવા માટે આવી રહ્યા છે.’

ઉલ્લેખનીય છે કે, સલોનીબહેને વર્ષ 2017માં પંડિત રાજન સાજન મિશ્રા સાથે ‘ભૈરવ સે ભૈરવી તક’ ટાઈટલ હેઠળ વર્લ્ડ ટૂર કરી હતી. અમદાવાદ સહિત દુનિયાભરમાં રાગની સમજ કેળવાય અને ભારતીય શાસ્ત્રીય સંગીતથી લોકો વધારે પરિચિત થાય તે માટે આ વર્લ્ડ ટૂર યોજવામાં આવી હતી. ક્લાસિકલ સંગીત પણ આપણી સાંસ્કૃતિક ધરોહર જ છે અને એને જાળવી રાખીને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે એ સતત પ્રયત્નશીલ છે.

સલોનીબહેન વિશે થોડી વાત કરીએ તો તેઓ વર્ષો સુધી સ્પિક મેકે (SPIC MACAY) મુવમેન્ટ સાથે જોડાયેલા રહ્યા છે, જે વિવિધ સંસ્થાઓમાં ક્લાસિક્લ સંગીત અને સંગીતકારોના કાર્યક્રમો ઓર્ગેનાઈઝ કરે છે. એના કારણે એ વર્ષોથી આ બધાં કલાકારોને ખૂબ જ નજીકથી જાણે છે.

સલોનીબહેનનું કહેવું છે કે, ‘રાજનજીની ઈચ્છા હતી કે આપણા તરફથી જેટલી થઈ શકે તેટલી ઈન્ડિયન ક્લાસિકલ સંગીતને પ્રમોટ અને પ્રિઝર્વ કરવું જોઈએ. તેને યંગ જનરેશન સુધી લઈ જવાના પ્રયત્નો થવા જોઈએ. જીવનમાં છેલ્લે તેમણે નક્કી પણ કર્યું હતું કે હું માત્ર શીખવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરીશ અને શો સિલેક્ટેડ કરીશ. પરંતુ કુદરતનું બીજું જ કંઈક પસંદ હતું. મારા આ પ્રયત્નોનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે શાસ્ત્રીય સંગીત આગામી પેઢી સુધી પહોંચાડવું. આપણી યુનિક શાસ્ત્રીય સંગીત પદ્ધતિ છે કે તેવી વિશ્વમાં બીજે ક્યાંય નથી. આપણાં બધાં સૂરો સમય અને સિઝન સાથે સંકળાયેલા હોય એવું તો વિશ્વમાં બીજે ક્યાંય નથી.’

સલોનીબહેને આગળ વાત વધારતા કહ્યું કે, ‘આજે ક્લાસિકલ સંગીતમાં લોકોને રસ પાડવો ખૂબ જ અઘરો છે. આ પ્રકારના મહાન કલાકારોના કાર્યક્રમનું આયોજન કર્યા બાદ પણ લોકોને ઓડિટોરિયમ સુધી લાવવા માટે અથાગ પ્રયત્નો કરવા પડે છે. જ્યારે વિદેશી કલાકારો માટે આપણે લાખો રૂપિયા ખર્ચીને સાંભળવા જઈએ છીએ! પોતાના જ સંગીત અને ક્લાસિકલ કલાકારો પ્રત્યે આપણે ઉદાસિનતા દાખવીયે છીએ એ ખૂબ જ દુઃખની વાત છે.’

આ માટે યુવા ક્લાસિકલ સંગીતકારોને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષથી સલોનીબહેન પંડિત રાજન મિશ્રા ફેલોશિપ શરૂ કરી રહ્યા છે. અંડર-30 ઉંમર માટે આ ફેલોશિપ શરૂ કરવામાં આવી છે. જેમાં એક ટોકન અમાઉન્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. યુવા કલાકારોમાં ટેલેન્ટ હોય છે પરંતુ તેમની પાસે આર્થિક ભંડોળના અભાવે તેઓ ના છૂટકે બીજા કામો તરફ વળી જાય છે. આ ફેલોશિપમાં જે કલાકારને સપોર્ટ કરવામાં આવે તેને મોટા પ્લેટફોર્મ પર પર્ફોમ કરવા માટે મળે તે પ્રકારના પ્રયત્નો પણ સલોનીબહેન દ્વારા કરવામાં આવી રહ્યા છે. પંડિત સાજન મિશ્રાના હસ્તે આ ફેલોશિપ આ વર્ષે પ્રથમ વખત આપવામાં આવશે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)