સૈફ પર હુમલો કરનાર શંકાસ્પદ આરોપીની પહેલી તસવીર સામે આવી

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ગુરૂવાર રાત્રે 2 વાગ્યે જીવલેણ હુમલો થયો હતો. તેમના પર 6 વખત છરી વડે હુમલો કરાયો હતો. જો કે, હાલ સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ છે અને તેઓ ખતરાથી બહાર છે. તેમની સર્જરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે પોલીસ સૈફ અલી ખાનના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. બીજી તરફ, સૈફ પર હુમલો કરનારા આરોપી પર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. ટ્રેસ પાસિંગની કલમો પણ લગાવવામાં આવી છે.

શંકાસ્પદ આરોપીની પહેલી તસવીર 

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પ્રભાદેવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. સૂત્રોનો દાવો છે કે, મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં શંકાસ્પદ છૂપાયેલો હોય શકે છે. શંકાસ્પદ આરોપીની પહેલી તસવીર સામે આવી છે. સૈફ પર હુમલો કરનારા આરોપી પર BNSની કલમ 109 હેઠળ હત્યાના પ્રયાસનો કેસ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ટ્રેસ પાસિંગની કલમો પણ કેસમાં સામેલ કરાઈ છે.

ઘરકામ કરનારી મહિલાએ પણ નોંધાવી ફરિયાદ

સૈફ અલી ખાનના ઘર પર કામ કરનારા મહિલાએ અજાણ્યા ઘૂસણખોરો વિરૂદ્ધ પોલીસમાં હત્યાના પ્રયાસ અને ઘૂસણખોરીની ફરિયાદ નોંધાવી છે.શું છે સમગ્ર ઘટના?

કોઈ અજાણ્યો વ્યક્તિ અભિનેતાના ઘરમાં ઘુસ્યો હતો. પોલીસનો અંદાજ છે કે, અજાણ્યો શખસ ચોરી કરવાના ઇરાદે તેમના ઘરમાં ઘુસ્યો હતો. શખસ ઘરકામ કરનારી મહિલાના રૂમથી સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો. ઘરમાં ઘુસ્યા બાદ તે વ્યક્તિએ સૈફ અલી ખાનની ઘરકામ કરનારી મહિલા અને એક્ટર સાથે મારામારી કરી. જેમાં એક્ટર ઘાયલ થઈ ગયો. ઘટનાની તપાસ ચાલી રહી છે. સૈફ અલી ખાનને તેના દીકરા ઇબ્રાહિમ અલી ખાન હોસ્પિટલ લઈને આવ્યા હતા. ઇબ્રાહિમ અલી ખાન સૈફના ઘરથી થોડાં દૂર જ રહે છે. તેમની દીકરી સારા અલી ખાન પણ મળવા માટે હોસ્પિટલ પહોંચી હતી.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડી.સી.પી.) દીક્ષિત ગેડામે જણાવ્યું હતું કે, “ગઈકાલે રાત્રે એક આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો, ત્યારે આ ઘટના બની હતી. આરોપીએ ઘરમાં પ્રવેશવા માટે ફાયર એસ્કેપ સીડીનો ઉપયોગ કર્યો હતો. આ ચોરી હોય તેવું લાગે છે. તે સીડીનો ઉપયોગ કરીને ઘરમાં પ્રવેશ્યો, જેનો ઉપયોગ કોઈપણ અકસ્માતની ઘટનામાં બચવા માટે કરવા માટે થાય છે. આરોપીની ઓળખ થઈ ગઈ છે અને આ કેસમાં દસ ટીમો કામ કરી રહી છે.”