અમદાવાદ: ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં આ વર્ષે વરસાદ સારો થયો. અરવલ્લીની ગીરીમાળામાંથી નીકળતી સાબરમતી નદીમાં ચારેય બાજુથી પાણીનો સ્ત્રોત આવ્યો. ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધતાં જ ધરોઇ ડેમ અને સંત સરોવર ગાંધીનગરના દરવાજા ખોલવા પડ્યા. અચાનક પાણી આવક વધતાં જ અનેક અબોલ જીવો તણાંયા.જેમાં સરીસૃપ જાતિના અસંખ્ય જીવો અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતીના રિવરફ્રટન્ટ પર જોવા મળ્યા. ડેમમાંથી પાણી છોડાતાં તમામ વિભાગો એલર્ટ થઇ ગયાં આ સાથે સરીસૃપ જાતિના જીવોને નુકસાન ન થાય, એમનો બચાવ અને યોગ્ય સ્થાને પહોંચાડવા ટીમો, સામાજિક સંસ્થાના કાર્યકરો સક્રિય થઇ ગયા.
સાપ રેસ્ક્યુ ટીમના સભ્ય સંકેત મિસ્ત્રી ચિત્રલેખા.કોમને કહે છે વરસાદ ખૂબ થયો જેના કારણે સાબરમતી નદીમાં પાણી છોડાયું. નદીના બંન્ને કાંઠે રહેતાં અબોલ જીવ અને સરીસૃપ જાતિના પ્રાણીઓ તણાઇને આવ્યા. શહેરી વિસ્તારમાં રિવરફ્રન્ટ પર જુદી જુદી પ્રકારના સાપ આવી ગયા. વિડીયો ખૂબ જ વાયરલ થયા પણ મોટાભાગના પાણીના સાપ બિનઝેરી હોય છે. ગભરાઇને અફવા ફેલાવવાની જરૂર નથી.
સંકેતભાઇ વધુમાં કહે છે અમારી ટીમના સભ્યોએ દિવસ રાત મહેનત કરી 80થી 90 જેટલાં સાપને બચાવી સલામત સ્થળે મોકલી દીધા. રિવરફ્રન્ટના પ્લેટફોર્મ સુધી પાણી વહે છે એટલે હજુ પણ આ કામગીરી ચાલુ જ છે. અત્યાર સુધીમાં અમારી આખીય ટીમે 75 ડેડવા એટલે પાણીના સાપ, પાંચ કોબ્રા, એક કુકરી સાપ, એક ધામણ, મોનિટર લિઝાર્ડ –ઘો બે પાણીના કાચબાને બચાવ્યા અને યોગ્ય સ્થળે છોડી મુક્યા હતા. વન્ય જીવો અને અબોલ જીવોને બચાવતા અમારી ટીમના સભ્યો એકદમ તાલીમ બદ્ધ રીતે તૈયાર થયેલા છે. જેને સમય મળે એ રીતે રિવરફ્રન્ટ પર આવી સેવા આપે છે.આ વર્ષે સાબરમતીમાં પાણી છોડ્યા બાદ અનેક જીવ જંતુ અને વનસ્પતિ તણાંયા હતાં. પાણી છોડવાનો નજારો જોવા ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
