અફઘાનિસ્તાનમાં રશિયન વિમાન ક્રેશ, ભારતથી મોસ્કો જઈ રહ્યું હતું પ્લેન

અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં એક વિમાન ક્રેશ થયું છે. અફઘાનિસ્તાન મીડિયાએ જણાવ્યું કે તે ભારતીય વિમાન હતું અને મોસ્કો જઈ રહ્યું હતું. જોકે, ભારત સરકારનું કહેવું છે કે આ વિમાન ભારતનું નથી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં ગત રાત્રે જે વિમાન ક્રેશ થયું તે ભારતીય નથી. ડીજીસીએના અધિકારીએ પુષ્ટિ કરી છે કે આ ભારતીય વિમાન નથી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, બદખશાન પ્રાંતના પહાડોમાં ક્રેશ થયેલું પ્લેન રશિયાનું હતું.

મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે અફઘાનિસ્તાનમાં જે દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટના થઈ છે તે ભારતીય વિમાન નથી. આ વિમાન રશિયામાં નોંધાયેલું હતું. ભારતની જે ફ્લાઈટ દિલ્હીથી મોસ્કો ગઈ હતી તે આજે મોસ્કોમાં લેન્ડ થઈ છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં કુલ 6 લોકો સવાર હતા જેમાંથી 6 મુસાફરો હતા.

રશિયન ઉડ્ડયન અધિકારીઓનું કહેવું છે કે શનિવારે સાંજે એક રશિયન વિમાન અફઘાનિસ્તાન ઉપર રડારથી ગાયબ થઈ ગયું હતું. વિમાનમાં 6 લોકો સવાર હતા. આ એરક્રાફ્ટ ફ્રાંસનું ડેસોલ્ટ ફાલ્કન 10 જેટ હતું. આ એક ચાર્ટર પ્લેન હતું જે ભારતથી મોસ્કો થઈને ઉઝબેકિસ્તાન જઈ રહ્યું હતું. ભારત સરકારે એ પણ જાણકારી આપી કે અફઘાનિસ્તાનમાં જે પ્લેન ક્રેશ થયું તે એર એમ્બ્યુલન્સ હતું. થાઈલેન્ડથી રશિયા જતી વખતે ગયા એરપોર્ટ પર વિમાનમાં ઈંધણ ભરાયું હતું.

ઘટના અંગે માહિતી આપતા બદખ્શાનમાં તાલિબાનના માહિતી અને સંસ્કૃતિના વડા ઝબીહુલ્લા અમીરીએ જણાવ્યું હતું કે વિમાન ઝેબક જિલ્લાના આર્ટિલરી વિસ્તારમાં ક્રેશ થયું હતું. અધિકારીએ જણાવ્યું કે અકસ્માતની તપાસ માટે એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.