BCCIને રૂ. 500 કરોડનું નુકસાન: હાઈકોર્ટનો ચુકાદો કોચી ટસ્કર્સના પક્ષમાં

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ભૂતપૂર્વ ટીમ કોચી ટસ્કર્સ કેરળના પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે રૂ. 538 કરોડથી વધુના આર્બિટ્રેશન એવોર્ડને યોગ્ય ઠેરવ્યો છે અને BCCIની અરજી ફગાવી દીધી છે, જેમાં આ રકમને પડકારવામાં આવી હતી. જસ્ટિસ આર.આઈ. છાગલાની બેંચે સ્પષ્ટ કહ્યું કે આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિયેશન એક્ટની સેક્શન 34 મુજબ કોર્ટની ભૂમિકા મર્યાદિત છે, તેથી કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે.

BCCI-કોચી ટસ્કર્સ વિવાદ શું હતો?

કોચી ટસ્કર્સ કેરળને IPL 2011 માટે નવી ટીમ તરીકે સામેલ કરવામાં આવી હતી. આ ટીમ પહેલા રેન્ડેવૂસ સ્પોર્ટ્સ વર્લ્ડ (RSW)ના નેતૃત્વ હેઠળના ગ્રુપને આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેનું સંચાલન કોચી ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ (KCPL) દ્વારા કરવામાં આવ્યો. IPL 2011 પછી BCCIએ સપ્ટેમ્બર 2011માં ટીમનો કોન્ટ્રેક્ટ રદ કરી દીધો હતો. BCCIનો આરોપ હતો કે ફ્રેન્ચાઇઝીએ સમયસર 10 ટકા બેન્ક ગેરંટી આપી નહોતી, જે કરાર મુજબ ફરજિયાત શરત હતી.

KCPLએ દલીલ આપી હતી કે બેન્ક ગેરંટીમાં વિલંબ તેમની ભૂલ નહોતી, પરંતુ સ્ટેડિયમ સંબંધિત સમસ્યાઓ, શેરહોલ્ડિંગ અંગે નિયમનકારી મંજૂરીઓ, અને IPLના મેચોની સંખ્યામાં અચાનક ફેરફાર જેવાં કારણો જવાબદાર હતાં. તેમ છતાં BCCI ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત કરી અને અનેક રકમો પણ સ્વીકારી. ત્યાર બાદમાં BCCIએ અચાનક ટીમનો કરાર રદ કરી નાખ્યો અને ગેરંટીની રકમ પણ જપ્ત કરી લીધી.

આ નિર્ણય સામે KCPL અને RSWએ 2012માં આર્બિટ્રેશન પ્રક્રિયા શરૂ કરી. 2015માં ટ્રિબ્યુનલે નિર્ણય આપ્યો કે BCCIએ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને ગેરંટીની રકમ પણ ખોટી રીતે વસૂલ કરી છે. ટ્રિબ્યુનલએ નક્કી કર્યું કે BCCIના ઉલ્લંઘનના કારણે KCPLને રૂ. 384 કરોડ અને RSWને રૂ. 153 કરોડનું નુક્સાન થયું છે. એટલે કુલ મળીને ₹538 કરોડથી વધુની ભરપાઈ નક્કી કરવામાં આવી જોઈએ, જેમાં વ્યાજ અને કાનૂની ખર્ચ પણ સામેલ છે.