રાજકોટ: એક તરફ રાજકોટ સહિત ગુજરાતમાં અનેક શહેરોમાં આગ ઝરતી ગરમી પડી રહી છે ત્યારે આજે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો છે. સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. ત્યારે અમરેલી જિલ્લામાં એક કલાક સુધી વરસાદ નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા તારીખ 17મી મે સુધી કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી માર્કેટ યાર્ડમાં ખુલ્લી પડેલી જણસી અને કેરીના પાકને ભારે નુકસાન થયા હોવાની માહિતી પણ મળી રહી છે.
અમરેલીમાં 4 વાગ્યાથી ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો હતો જે એકાદ કલાક સુધી ચાલુ રહ્યો હતો. અમરેલી શહેરમાં કમોસમી વરસાદના પાણી વહેતા થયા. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી, લખતર, વઢવાણ સહિતના વિસ્તારોમાં પવન અને ધૂળની ડમરી સાથે વરસાદ પડ્યો હતો. બોટાદમાં પણ અનેક બિલ્ડિંગ ઉપરથી પતરા ઉડ્યાના અહેવાલો મળે છે. ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં પણ કમોસમી વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળે છે. જો કે રાજકોટમાં આકરી ગરમી છે 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન રહ્યું છે.
(દેવેન્દ્ર જાની, રાજકોટ )