નિવૃત્ત કર્નલ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરીને કરોડોની છેતરપિંડી

ચંડીગઢઃ પંજાબના ચંડીગઢ શહેરમાં એક 82 વર્ષીય નિવૃત્ત કર્નલ અને તેમની પત્ની સાથે કરોડોની છેતરપિંડી થઈ છે. કર્નલ દિલીપ સિંહ બાજવા અને તેમની પત્ની રણવિંદર કૌર બાજવાને સાયબર ઠગોએ પહેલા નવ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા અને પછી તેમના પાસેથી કુલ રૂ. 3.41 કરોડ લૂંટી લીધા. આ ઘટનાની ફરિયાદ દંપતીએ પોલીસમાં કરી છે અને હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ચંડીગઢના સેક્ટર-બેમાં રહેતા બાજવા દંપતીને 18 માર્ચે આંતરરાષ્ટ્રીય નંબર પરથી એક ફોન આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પૂછ્યું કે શું તેઓ નરેશ ગોયલને ઓળખે છે? દંપતીએ ના પાડતાં ઠગોએ કહ્યું હતું કે નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે અને તેના ઘરમાંથી 247 ATM કાર્ડ મળ્યાં છે. જેમાં એક કાર્ડ તમારું પણ છે અને તેમાં રૂ. 20 લાખ જમા કરવામાં આવ્યા છે. કુલ રૂ. બે કરોડની મની લોન્ડરિંગ થઈ છે અને તમને પણ અરેસ્ટ કરવામાં આવી શકે છે.

ત્યાર બાદ 19 માર્ચે ફરીથી તેમને આંતરરાષ્ટ્રીય નંબર પરથી કોલ આવ્યો. આ વખતે ઠગોએ સુપ્રીમ કોર્ટના નકલી દસ્તાવેજો મોકલ્યા અને કહ્યું હતું કે તેમને પકડી પાડવા માટે ટીમ આવી રહી છે. ઠગોએ તેમને એટલા ડરાવ્યા હતા કે તેમણે પોતાની બધી જ અંગત અને આર્થિક માહિતી ઠગોને આપી દીધી. તેમાં તેમનાં બેંક ખાતાં, ઘરમાં પડેલો સોનાનો જથ્થો, મિલકતના દસ્તાવેજો વગેરે સામેલ હતા.

કર્નલ બાજવાએ જણાવ્યું કે તેમને નવ વખત ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. 27 માર્ચે તેમને વિડિયો કોલ દ્વારા નકલી કોર્ટ રૂમ બતાવવામાં આવ્યો, જ્યાં નકલી ન્યાયાધીશ, પોલીસ અધિકારી અને બે આરોપીઓ દેખાયા. ન્યાયાધીશે તેમને કહ્યું હતું કે તેમના જામીન બાકી છે, પણ રૂ. બે કરોડના જામીનની રકમ ભરવી પડશે. જ્યારે કર્નલે કહ્યું કે તેમની પાસે વધુ પૈસા નથી, ત્યારે ન્યાયાધીશે તેમને કોઈ પણ રીતે રકમ ભેગી કરવાની ચેતવણી આપી હતી.

આ ઠગોએ તેમના પર દેશદ્રોહ અને લશ્કરના માન-સન્માનને નુકસાન થવાના આરોપ મૂક્યા હતા, જેનાથી ડરીને દંપતીએ પાંચ અલગ-અલગ બેંક ખાતાંમાંથી કુલ રૂ. 3.41 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા.