ચિત્રલેખા સાથે ગાઢ રીતે જોડાયેલા સર્જક રજનીકુમાર પંડ્યાને અંતિમ વિદાય

અમદાવાદ : જાણીતા લેખક, પત્રકાર, નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર રજનીકુમાર પંડ્યાનું અવસાન થયું છે. ઉત્તમ લેખક, ઉમદા વ્યક્તિત્વ રજનીકુમાર પંડ્યાનું 15 માર્ચના રોજ અવસાન થયું. 16 માર્ચ રવિવારે મણીનગર અમદાવાદ એમના નિવાસ સ્થાનેથી સ્મશાન યાત્રા નીકળી. જેમાં લેખકો, કવિઓ, પત્રકારો, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌરાષ્ટ્રના જેતપુરમાં તા.6-7-1938 જન્મેલા રજનીકુમાર પંડ્યાએ લગભગ 1958-59ની સાલથી નવલિકાઓના લેખનથી લેખનની શરૂઆત કરી. 1980પછી ‘સંદેશ’માં ‘ઝબકાર’ કટાર દ્વારા એમને વિશેષ ખ્યાતી મળી. 2020સુધીમાં તેમના સિત્તેર ઉપરાંત પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. એમાંથી સાત નવલકથાઓમાંથી અર્ધાથી વધારે તો ટી.વી. સિરિયલ કે નાટકમાં રૂપાંતર પામી.

એમની સૌથી વધુ પ્રસિદ્ધ નવલકથા ‘કુંતી’ પરથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બે વાર હિંદી ટી.વી. સિરિયલો બની. ટી.વીના પડદે પ્રાઈમ ટાઈમમાં દર્શાવાઈ. ‘કુંતી’ની માંગ તો મશહુર સ્ટાર દેવઆનંદે રજનીકુમારને સામેથી પત્ર લખીને કરી હતી પરંતુ હકો અન્યને અપાઇ ગયેલા હોવાથી દેવ આનંદને આપી ન શકાયા.

ઉપરાંત તેઓ વિશેષ આમંત્રણથી 1994માં અમેરિકા જઈને સાચ્ચા પાત્રો વચ્ચે રહીને લખેલી ‘પુષ્પદાહ’ પરથી મુંબઈના નિર્માત્રી સુશીલા ભાટીયા ‘વો સુબ્હા હોગી’ નામની ધારાવાહી હિંદીમાં બનાવી રહ્યા છે. જેના સંવાદો તેમના ભાઈ હરિશ ભીમાણી (‘મેં સમય હું’ ફેઈમ) લખી રહ્યા છે. રજનીકુમારની નવલિકા ‘જુગાર’ પરથી અભિનેત્રી આશા પારેખે જ્યોતિ સિરીયલમાં એક એપિસોડ બનાવ્યો. ગોવિંદ સરૈયાએ પણ એમની એક વાર્તા ‘આકાશમાં છબી’ પરથી WHO માટે ટૅલિફિલ્મ બનાવી. તેમની નવલકથા ‘અવતાર’ પરથી મુંબઈના નાટ્યકાર અરવિંદ જોશીએ ‘આયના તૂટે તો બને આભલાં’ જેવું સુંદર સ્ટેજ પ્લે બનાવ્યું હતું અને હાલમાં હિંદી ફિલ્મ બની રહી છે.

રજનીકુમાર પંડ્યાની ટૂંકી વાર્તાઓ પરથી અમદાવાદ દૂરદર્શને ભાત ‘ભાત કે લોગ’ સિરીયલના ઘણા એપિસોડ બનાવ્યા હતા. એમની રચના ‘પરભવના પિતરાઈ’ ચરિત્રાત્મક નવલકથા ઉપરથી ટેલિફિલ્મ બની હતી. દિલ્હીની સુવિખ્યાત નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા એ તેમની નવલિકા ‘કંપન જરા જરા’નું નાટ્યમંચન દિલ્હી નિમંત્રીને અને તેમની જ ઉપસ્થિતિમાં કર્યું હતું.

એમણે લખેલા જીવનચિત્રોનું એક પુસ્તક ‘અનોખા જીવનચિત્રો’ સુરતની નર્મદ યુનિવર્સિટીમાં એમ.એ. પાર્ટ-2ના અભ્યાસક્રમમાં હતું. મુંબઈના હિરાલક્ષ્મી ફાઉન્ડેશન માટે એમણે નેવું વર્ષ પહેલાંના ઉચ્ચ કક્ષાના ગુજરાતી સામયિક ‘વીસમી સદી’ને ડીજીટલાઈઝ્ડ કરી તેની વેબસાઈટ gujarativismisadi.com વિશ્વના કરોડો ગુજરાતીઓ સમક્ષ રજૂ કરી ભાષાની મોટી સેવા કરી. આ ઉપરાંત તેમણે ગુજરાતી ડિસ્કવરી ચેનલ જેવા જૂના ગુજરાતી સામયિક ‘પ્રકૃતિ’ને પણ વેબસાઈટ ઉપરની રીતે નિર્મિત કરી. gujaratiprakruti.com વળી તેમણે રાજવી શાયર ‘રુસ્વા’ મઝલૂમી તથા વિખ્યાત ભક્તિ સંગીતના વયોવૃદ્ધ ગાયિકા જૂથિકા રોયની હિંદી ડોક્યુમેંટ્રી સી.ડી.નું નિર્માણ કાર્ય પણ કર્યું.

રજનીકુમારના દિગ્દર્શનમાં કવિકુલગુરુ કાલિદાસના ‘મેઘદૂત’ના ગુજરાતી સમશ્લોકી અનુવાદને સાંગીતિક સ્વરૂપ અપાયું છે. જેની સ્વર રચના આશિત દેસાઈએ કરી અને પ્રફુલ્લ દવેએ આપ્યા. મહાન ગાયકો અને સંગીતકારોની સાથેના તેમના અંગત સંસ્મરણો અને મુલાકાતો પર આધારિત પુસ્તક ‘આપકી પરછાંઈયા’ની ગુજરાતીમાં બે આવૃત્તિ થવા ઉપરાંત તે હિંદી અને અંગ્રેજીમાં પણ અનુવાદિત થઇને પ્રકાશિત થયું છે. ‘કુમાર’ માં પાંચ વર્ષ લગી સતત ચાલેલી, હિંદી બોલપટના પ્રથમ દર્શક (1931-41) નો વિગતથી ભરપૂર ઈતિહાસ આલેખતી તેમની લેખમાળા ફિલ્માકાશ માટે તેમને 2003માં પ્રતિષ્ઠિત કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. સાહિત્યસર્જનના ક્ષેત્રે ગુજરાત સાહિત્ય અકાદમીના મહત્તમ મળી શકનારા પાંચ ઍવૉર્ડ, ઉપરાંત ગુજરાત સાહિત્ય પરિષદના બે ઍવૉર્ડ તેમને મળ્યા છે. ઉપરાંત કુમાર સુવર્ણચંદ્રક અને ધૂમકેતુ પારિતોષિક તેમને પ્રાપ્ત થયા છે. કોલકત્તાથી રાષ્ટ્રીય કક્ષાનો સ્ટેટ્સમેન અખબારનો ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયો છે. ગુજરાત સરકારના સર્વશ્રેષ્ઠ બે ઍવૉર્ડ એમને મળી ચૂક્યા છે. દૈનિક અખબાર સંઘના પણ બે ઍવૉર્ડ એમને એનાયત કરવામાં આવ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)